વડોદરા, તા.૨૪
એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોનાના કારણે ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ છે.જોકે કેમ્પસમાં વિદ્યાર્થીઓ ભલે ના આવતા હોય પણ વિદ્યાર્થી સંગઠનોને કોરોનાના કોઈ નિયમો લાગુ પડતા હોય તેવુ લાગી રહ્યુ નથી.
અલગ-અલગ વિદ્યાર્થી સંગઠનો રજૂઆતના નામે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે અને સત્તાધીશો આમ છતા ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે. અનલોક ગાઈડલાઈનો લાગુ થયા બાદ સંખ્યાબંધ વિદ્યાર્થી સંગઠનો રોજે-રોજ કોઈને કોઈ મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ કે ફેકલ્ટી ડીન્સ પાસે પહોંચી જાય છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા દોઢ મહિનામાં વિદ્યાર્થી સંગઠનો ૨૦ કરતા વધારે વખત હેડ ઓફિસ ગયા છે અને મોટાભાગના કિસ્સાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવીને રજૂઆત કરી છે.આ રજૂઆત વાઈસ ચાન્સેલર કે ઈન્ચાર્જ રજિસ્ટ્રાર સમક્ષ જ કરવામાં આવી છે.જેમ કે ગુરુવારે એબીવીપી દ્વારા કોમર્સના પેન્ડિંગ પરિણામોના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારનુ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યુ નહોતુ.આજે પણ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયને કોમર્સ ફેકલ્ટી ખાતે આ જ રીતે રજૂઆત કરી હતી.સત્તાધીશોેએ કોરોના લાગુ થયો તે વખતે વિદ્યાર્થી સંગઠનોને ઓનલાઈન ફરિયાદ કરવા માટે કહ્યુ હતુ પણ એવુ લાગે છે કે, વિદ્યાર્થી સંગઠનો સત્તાધીશોની ચીમકીને ઘોળીને પી ગયા છે.