(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
એમ.એસ.યુનિ.માં કાયમી ટીચિંગ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા માટે યુનિ.ના જ ૪૦૦ હંગામી અધ્યપાકોએ અરજી કરી છે. ૧૦ વર્ષ ઉપરાંતના સમયથી હંગામી અધ્યપાકો તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને પ્રાધાન્ય મળે તેવી આશા રાખી રહ્યા છે. યુનિવર્સિટીમાં ૬૪ર જેટલી જગ્યાઓ માટે ભરતી કરાશે.યુનિવર્સિટીમાં લાંબા ગાળે રાજ્ય સરકારના આદેશ બાદ કાયમી ધોરણે અધ્યાપકોની ભરતી થવાની છે. ૬૦૦ કરતા વધારે અધ્યાપકોની જગ્યાઓ માટે ૯ હજાર કરતા વધારે અરજીઓ આવી છે. એમ.એસ.યુનિ.માં જ ફરજ બજાવતા ૪૦૦ જેટલા હંગામી અધ્યાપકોએ કાયમી પોસ્ટ માટે અરજીઓ કરી છે. હંગામી ધોરણે ફરજ બજાવતા અધ્યાપકોમાંથી ઘણા બધા તો છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતના સમયથી ફરજ બજાવી રહ્યા છે. યુનિ.ના હંગામી ધોરણે ફરજ બજાવતા અધ્યાપકોને આશા છે કે, ભરતી પ્રક્રિયામાં તેમને પ્રાધાન્ય આપવામાં આવે. અગાઉ કરાયેલી ભરતીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા અધ્યાપકોની કાયમી ધોરણે ભરતી કરાઈ હતી. જો કે, તમામ નિર્ણય સિલેક્શન કમિટી દ્વારા કરાશે.