પાલનપુર, તા.ર૩
બનાસકાંઠા જિલ્લાને મેડિકલ કોલેજ આપવાના બહાના તળે પાલનપુર સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરી તેનો વહિવટ બનાસ ડેરીના ગલબાભાઇ નાનજીભાઇ ટ્રસ્ટને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે એમ. સી. આઇની ટીમના આગમન સમયે સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટી અને સિવિલ બચાવો સમિતિના કાર્યકરો એમસીઆઇની ટીમને મળે તે પહેલા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. બીજી તરફ આ કાર્યકરોએ જ્યાં સુધી એમસીઆઇની ટીમ મુલાકાત ન આપે ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરતાં મામલો ગરમાયો હતો.
વિવાદો વચ્ચે આજે એમ.સી. આઇ.ની ટીમ પાલનપુર સિવિલ ખાતે આવી પહોંચી હતી. જોકે,એમ.સી.આઈ.ટીમના આગમન ટાણે સિવિલ બચાવો સમિતિના સંભવિત વિરોધને પગલે સિવિલ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
એમ.સી.આઈ.ની.ટીમ સમક્ષ ખાનગી ટ્રસ્ટ દ્વારા ફૂલગુલાબી ચિત્ર રજૂ કરાઈ રહ્યું હતું. ત્યારે સિવિલ બચાવો સમિતિએ ખાનગી ટ્રસ્ટની પોલ ખોલવા રજૂઆત કરવાનો આગ્રહ કરતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. દરમ્યાન, એમ.સી.આઈ. ની ટીમ સમક્ષ રજૂઆત કરવાના નિર્ધાર સાથે સિવિલમાં ધરણાં પર બેસી ગયેલા સિવિલ બચાવો સમિતિના ૫ જેટલા સભ્યોની પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરતા વાતાવરણમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
પાલનપુર સિવિલના ખાનગીકરણનો વિરોધ કરવા આવી પહોંચેલા સિવિલ બચાવો સમિતિ અને આમઆદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. અને તેમને પાલનપુર હેડક્વાર્ટર બાદ જુદા-જુદા સ્થળે ફેરવી અને દિયોદર પોલીસ મથકે લઇ જવાયા હતા. જોકે, પોલીસ અને સિવિલ તથા ખાનગી ટ્રસ્ટના સત્તાવાળાઓની જોહુકમી સામે અટકાયત કરાયેલા આમ આદમી પાર્ટીના ભેમાભાઈ ચૌધરી, રમેશ ભાઈ નાભાણી, સતીશ વણસોલા રમીલાબેન ઠાકોર અને સર્ફરાજ સિંધીએ અન્ન-જળનો ત્યાગ કરવાનું એલાન કરતા મામલો વધુ ગરમાયો છે.
કબજો લીધા વગર બથમણિયો કબજો
બનાસડેરી સંચાલિત ખાનગી ટ્રસ્ટ એ પાલનપુર સિવિલનો વિધિવત કબજો લીધો નથી. ત્યારે પાલનપુર સિવિલમાંથી નર્સિંગ હોસ્ટેલ, તાલીમ ભવન અને અરબન હેલ્થ સેન્ટર અન્યત્ર ખસેડવા સહિત સરકારી ખર્ચે સિવિલમાં તોડફોડ કરી થતા રિનોવેશન સામે અવાજ ઉઠાવતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સિવિલ સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો. ત્યારે ખાનગી ટ્રસ્ટની જોહુકમી સામે તેમના મૌખિક આદેશોને પગલે નીતિ નિયમોને નેવે મૂકીને ફેક દર્દીઓ દાખલ કરવા, નર્સિંગ હોસ્ટેલમાં ગેરકાયદે રસોડું ધમધમતું કરવા સહિત સિવિલમાં થઇ રહેલી કામગીરીને પગલે આગામી દિવસોમાં નકલી તુલસી એન્કાઉન્ટર કેસની જેમ સિવિલ સત્તાવાળાઓ પણ ફસાઈ જાય તેવી શક્યતાઓ વચ્ચે સિવિલ સ્ટાફ પણ માનસિક તાણ અનુભવી રહ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
કૉંગ્રેસનું સૂચક મૌન
જિલ્લાની એકમાત્ર સરકારી પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સામે પાલનપુરના કૉંગ્રેસી ધારાસભ્ય મહેશ પટેલ સહિતના જિલ્લાના કૉંગ્રેસી ધારાસભ્યો અને બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસનું ભેદી મૌન પ્રજાને અકળાવી રહ્યું છે. ત્યારે લોકોએ આજે સોશિયલ મીડિયા પર વિપક્ષ કૉંગ્રેસના ભેદી મૌન સામે ભડાશ કાઢતા ભાજપને પણ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી ટાણે સબક શીખવવાની કોમેંટો વહેતી કરી હતી.
ઇસ્પેકશન પૂર્ણ થતા દર્દીઓ ગાયબ
એમસીઆઇના ઇન્સ્પેક્શન દરમિયાન એમસીઆઇની ટીમે તમામ વોર્ડમાં ફરી ચકાસણી કરી હતી. ત્યારે તમામ વોર્ડ દર્દીઓથી ઉભરાયેલા હતા. અને દર્દીઓ તમામ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા. જોકે એક કલાક બાદની પરિસ્થિતિ જોઈએ તો, આ દર્દીઓના વોર્ડમાં બેડ ખાલી હતા તમામ દર્દીઓ ગાયબ હતા ત્યારે ઇન્સ્પેક્શનને લઈને દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.