(એજન્સી) તા.૧૬
સરકારી એરલાઈન એરઈન્ડિયાનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની ઈચ્છા બર આવે એવા અણસાર દેખાતા નથી. એરઈન્ડિયાને વેચી નાખવા માટે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પછી હાલ એનું લેવલ કોઈ દેખાતું નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર એરઈન્ડિયાને કાયમ માટે તાળું મારી દે એવી શક્યતા જણાતી હતી. હાલ એરઈન્ડિયા પર રૂા.૬૦,૦૦૦ કરોડનું દેવું છે. કેન્દ્રના જાહેર ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંઘ પુરીએ એવો અણસાર આપ્યો હતો કે, એરઈન્ડિયા ખરીદવા કોઈ આગળ નહીં આવે તો મેાદી સરકાર એને કાયમ માટે તાળું મારી દઈ શકે છે. અત્યારે માત્ર બે વિકલ્પો છે – કાં તો એને વેચી દેવી અથવા એને તાળાં મારી દેવા. એરક્રાફ્ટ સુધારા ખરડાને રાજ્યસભામાં રજૂ કરવા પહેલાં હરદીપસિંઘે મંગળવારે આ અણસાર આપ્યો હતો. જો કે, એમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, એરઈન્ડિયાને નવો માલિક જરૂર મળી જશે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, છેક ૨૦૧૧-૧૨થી આજ સુધીમાં સરકાર એરઈન્ડિયાને ૩૦,૫૨૦ કરોડ રૂપિયાની મદદ કરી ચૂકી છે. આટલી રકમ શિક્ષણ, સ્વાસ્થ્ય કે સામાજિક કાર્યો પાછળ વાપરી શકાઈ હોત. પરંતુ એરઈન્ડિયાના સેંકડો કર્મચારીઓને ખુવાર થતાં અટકાવવા સરકાર અત્યાર સુધી એરઈન્ડિયાને સતત આર્થિક મદદ કરતી રહી હતી. કેન્દ્ર સરકારે આ કંપની ખરીદવા માટેની બોલી લગાડવાની છેલ્લી તારીખ વધારીને ઓક્ટોબરની ૩૦મી સુધી લંબાવી હતી. કોરોનાના કારણે દુનિયા આખીના અર્થતંત્ર પર અસર પડી હતી. એ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બોલી લગાડવાની તારીખ લંબાવી હતી. એરઈન્ડિયા વેચવાની તૈયારી આમ તો આ વર્ષના જાન્યુઆરીની ૨૭મીથી સરકારે શરૂ કરી દીધી હતી. એરઈન્ડિયાની સ્થાપનામાં નિમિત્ત બનેલા તાતા ગ્રુપે એરઈન્ડિયા ખરીદવાની તૈયારી દાખવી હતી.