કોડીનાર,તા.૧૧
સૂત્રાપાડા તાબેના આલીદ્રા ગ્રામ પંચાયત દ્વારા એલ.ઈ.ડી. લાઈટ તથા પાણીની પાઈપલાઈન સહિતના કામોમાં ગેરરીતિ થઈ હોવા અંગે ગામના કાનજી ભગવાનભાઈ બારડે તાલુકા વિકાસ અધિકારીને એક વિસ્તૃત પત્ર પાઠવી ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા માગણી કરી છે. કાનજીભાઈ બારડે પત્રમાં જણાવ્યું છે કે આલિદ્રા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોની આર.ટી.આઈ. હેઠળ માહિતી માગતા તેમાં સ્ટ્રીટ લાઈટનું કામ લાઈટનું કામ વર્કઓડર મુજબ નહીં થયાનું કે તે ખરીદ કરેલા માલનું બિલ જીએસટીવાળુ ન હોવાથી આ કામમાં ગેરરીતિ થઈ છે. તેમજ પાણીની પાઈપલાઈન જે નાખવામાં આવી છે તેના પાઈપ આઈએસઆઈ માર્કવાળા કે તેમાં નાખેલા વાલ્વ તદ્દન હલકી પ્રકારના હોવાનું પત્રમાં જણાવ્યું છે આ ઉપરાંત ગામની પ્રાથમિક શાળાથી જુના તળાવ સુધી વિવેકાધીન યોજના અંતર્ગત પાકી ગટરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું આ ગટરની બન્ને સાઈડ પાકી દીવાલ અને ઉપર ટાંકણા કરવાના હતા. પરંતુ ગટરની દીવાલ નબળી ગુણવતાની હોઈ અડધી-પડધી પડી ગઈ છે અને તેના ઉપર ઢાંકણા બનાવવામાં આવ્યા જ નથી. આ તમામ હકીકતો સ્થળ ઉપર જોવા મળે છે તેમજ આર.ટી.આઈ. માહિતીમાં આપવામાં આવી છે જયારે અન્ય ઘણી માહિતી આપવામાં આવી નથી. આ અંગે કાનજીભાઈ બારડે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી તાત્કાલિક ઘટતું કરી જવાબદારો સામે દાખલા રૂપ પગલાં ભરવા માગ કરી છે.