આ બંને આરોપીઓ-સાગર ગોડખે અને રમેશ ગૈચોર ભીમા-કોરેગાંવ શૌર્યદિન પ્રેરણા અભિયાનના સક્રિય સભ્યો હતા. આ સંગઠને ભીમા કોરેગાંવ લડતની ૨૦૦મી વર્ષગાંઠ પૂર્વે ૩૧, ડિસે. ૨૦૧૭ના રોજ પૂણેના શનિવારવાડામાં સાંજનું સંમેલન એલગાર પરિષદનું આયોજન કર્યું હતું

(એજન્સી) તા.૯
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ (એનઆઇએ) એલગાર પરિષદના કેસમાં પૂણે સ્થિત સાંસ્કૃતિક જૂથ કબીરકલા મંચના બે કલાકારોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ-સાગર ગોરખે અને રમેશ ગૈચોર ભીમા-કોરેગાંવ શૌર્યદિન પ્રેરણા અભિયાનના સક્રિય સભ્યો હતાં. આ સંગઠને ભીમા કોરેગાંવ લડતની ૨૦૦મી વર્ષગાંઠ પૂર્વે ૩૧, ડિસે.૨૦૧૭ના રોજ પૂણેના શનિવારવાડામાં સાંજનું સંમેલન એલગાર પરિષદનું આયોજન કર્યુ હતું. આ બે ધરપકડ સાથે એલગાર પરિષદ કેસમાં કુલ ૧૪ની ધરપકડ થઇ છે અને ઘણા આરોપીઓમાં જમણેરી કર્મશીલો, શિક્ષણવિદો અને વકીલોનો સમાવેશ થાય છે. જુલાઇમાં એનઆઇએ દ્વારા આ કેસમાં દિલ્હી યુનિ.ના પ્રો.હેનીબાબુની ધરપકડ કરાઇ હતી. એજન્સીએ ગોરખે અને ગૈચોર સહિત અન્ય ઘણાને એ વખતે પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. આ કેસમાં બચાવ પક્ષના વકીલ મિહીર દેસાઇએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી ગોરખે અને ગૈચોરને પૂછપરછ માટે એનઆઇએ દ્વારા મુંબઇ બોલાવવામાં આવતાં હતાં અને સોમવારે તેમની ધરપકડ કરાઇ હતી. પ્રતિબંધિત સીપીઆઇ-માઓવાદી સાથે સાંઠગાંઠ બદલ પૂણે સિટી પોલીસ દ્વારા આઇપીએ અને યુએપીએની વિવિધ કલમો હેઠળ એલગાર પરિષદમાં ગોરખે અને ગૈચોરનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના આરંભે આ કેસનો હવાલો એનઆઇએ દ્વારા સંભાળી લેવામાં આવ્યો છે. ગઇ સાલ દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં પૂણે સિટી પોલીસે એવો દાવો કર્યો હતો કે સીપીઆઇ માઓવાદીની ઇસ્ટર્ન રીજીયોનલ બ્યુરોની બેઠકમાં નક્કી થયેલા ઉદ્દેશ્ય અનુસાર આરોપીઓએ કહેવાતાં માઓવાદી અગ્રણી સંગઠન કેકેએમ દ્વારા સરકાર વિરુદ્ધ આરોપીઓએ દલિતો અને અન્ય સંગઠનોને એકત્રિત કરવા એલગાર પરિષદનું આયોજન કર્યુ હતું. કબીર કલામંચના એક કલાકારે પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે એલગાર પરિષદનો કેસ સંપૂર્ણપણે ખોટો છે. ભીમા-કોરેગાંવ હિંસા પાછળ અપરાધી સંભાજી ભીડે અને મિલીંદ એગબોટે છે કે જેમની તપાસ કરવામાં આવતી નથી. ભીમા- કોરેગાંવ હિંસા કેસમાં એકબોટે અને ભીડેના નામ ચમક્યાં હતાં. ભીડેની પુરાવાના અભાવે ધરપકડ ક્યારેય કરાઇ નથી જ્યારે એકબોટેની ધરપકડ થઇ હતી પરંતુ થોડા મહિના બાદ જામીન પર છોડી મૂકવામાં આવ્યાં હતાં. સરકાર વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષની માઓવાદી વિચારધારાને ફેલાવવા બદલ વરિષ્ઠ માઓવાદી નેતા અંજેલા સોનટાકેની ધરપકડ બાદ ૨૦૧૧માં થાણે એટીએસ દ્વારા ધરપકડ કરાયેલ કેકેએમના કલાકારોમાં ગોરખે અને ગૈચોરનો સમાવેશ થાય છે. એટીએસએ એવો આક્ષેપ કર્યો છે કે ગોરખે, ગૈચોર અને કેકેએમના કેટલાક કલાકોરો ગઢચિરોઇના જંગલોમાં માઓવાદી કાર્યકરો સાથે શસ્ત્રોની તાલીમ પણ લીધી હતી.