અમદાવાદ,તા. ૨
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાંથી તા.ર૭ મેના રોજ ગુમ થયેલ ૧ર વર્ષીય રાહુલ આખરે હેમખેમ અને સહીસલામત અવસ્થામાં નડિયાદના ચાઇલ્ડ હોમમાંથી મળી આવતાં પોલીસ તેમજ રાહુલનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગરીબ માતા-પિતાએ પણ પોતાના સંતાનનો સહીસલામત કબ્જો અપાવવા બદલ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, લાંભામાં રહેતા દિનેશભાઇ શર્માના દોઢ વર્ષના પુત્ર આયુષની તબિયત ખરાબ હોવાથી તેને ર૦ દિવસ પહેલાં એલજી હોસ્પિટલના પોડિયાટ્રિક યુનિટ-૧માં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આયુષની સારસંભાળ રાખવા માટે દિનેશભાઇ શર્મા, તેમનાં પત્ની અને બે પુત્ર હોસ્પિટલમાં રોકાયા હતા. તારીખ ર૭ મેના રોજ દિનેશભાઇ શર્માનો ૧ર વર્ષનો પુત્ર રાહુલ જમવાનું ટિફિન આપવા માટે એલજી હોસ્પિટલના ગાર્ડનમાં ગયો હતો, જ્યાંથી તે અચાનક ગુમ થયો હતો. ટિફિન આપીને પરત નહીં આવતાં દિનેશભાઇ સહિત તેમનાં પરિવારજનોએ રાહુલની શોધખોળ કરી હતી, જોકે તે નહીં મળી આવતાં તેમણે તારીખ ૩૦ મેના રોજ મણિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી હતી. દરમ્યાન પોલીસને ૧૨ વર્ષના એક બાળક વિશે નડિયાદ ચાઇલ્ડ હોમમાં હોવા અંગે માહિતી મળી હતી અને પોલીસે ખરાઇ કરાવતાં તે રાહુલ જ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે, એ દિવસે રાહુલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ટિફિન આપીને મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન જોવા માટે ગયો હતો. રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેન જોઇને રાહુલ તેને જોવા અંદર ગયો હતો, જ્યાં અચાનક ટ્રેન ચાલુ થઇ જતાં તે સીધો નડિયાદ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. નડિયાદ રેલવે સ્ટેશન પર રાહુલ એકલો ફરતો હતો ત્યારે એક જાગૃત નાગરિક તેને નડિયાદ ચાઇલ્ડ હોમમાં મૂકી આવ્યા હતા.
રાહુલ ચાઇલ્ડ હોમમાં હેમખેમ હોવાના સમાચાર સાંભળતાં પોલીસ તેમજ રાહુલનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગરીબ માતા-પિતા પોતાના બાળકને સહીસલામત પામીને ખુશખુશાલ થઇ ગયા હતા અને પોતાના આંસુને પણ રોકી શકયા ન હતા. માતા-પિતાએ પોલીસ અને તંત્રનો આભાર માન્યો હતો.