અમદાવાદ, તા.ર૧
આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરી મંગળવારના દિવસે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા એલિસબ્રિજ ખાતે આવેલી અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી ભવનનો શિલાન્યાસ ગાંધીનગર લોકસભાના સંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થનાર છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મેહસૂલ મંત્રી કૌશિક પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ ખાસ ઉપસ્થિત રેહનાર છે. આ અદ્યતન સંકુલ જૂન ૨૦૨૧થી કાર્યરત થઇ જશે તે માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.
સમાજ સેવાથી રાષ્ટ્ર સમર્પિત ૧૯૩૨થી કાર્યરત પીઢ ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા કે.પી. વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં ૧૮૦૦ દીકરા-દીકરીઓને રહેવા, અભ્યાસ કરવા માટે એસી રૂમો (અટેચ બાથરૂમ), લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ, ટ્રેનિંગ સેંટર સહિતની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે. આ સંકુલ નવ ફ્લોરનું રહેશે આ સંકુલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે રહેવા માટે અલગ-અલગ બ્લોક રહેશે. એમ અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી કેમ્પસના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૯૩૨માં દાતા રામચંદ્ર જમનાદાસ અમીનના દાનથી ખરીદાયેલ અમદાવાદ એલિસબ્રિજ વિસ્તારની જમીન પર પોતાના ભાઈ અમીન પરસોતમ જમનાદાસના નામકરણ સાથે અમદાવાદમાં એલિસબ્રિજ ગુલબાઇ ટેકરા પાસે કે.પી. વિદ્યાર્થી ભવનની શરૂઆત થઇ હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે સંસ્થામાં રહીને ભારતની આઝાદીની ચળવળ ચલાવેલી તેવી આ ઐતિહાસિક સંસ્થાને નવો અવતાર આપવા વિઝન ૨૦૨૦ પ્રોજેક્ટ અંતર્ગત જૂની ઈમારતની જગ્યાએ નવી આધુનિક સગવડો સાથેનું બહુમાળી બિલ્ડીંગ બનાવવાનું નક્કી કરાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાંથી વધુ અભ્યાસ માટે આવતા સર્વ ધર્મના વિદ્યાર્થી દીકરા-દીકરીઓના જીવન ઘડતર માટે આ ભવન એક આદર્શ રૂપ બનશે તેમણે આમ પણ જણાવ્યું હતું કે, આ સંસ્થામાંથી ૩૫,૦૦૦થી વધુ સર્વ ધર્મના વિદ્યાર્થીઓ જેમાં રાજકીય મહાનુભાઓ, મોટા ઓદ્યોગિક ગૃહોના માલિકોએ પણ અહીં અભ્યાસ કર્યો છે.