અમદાવાદ,તા.ર૭
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ સગર્ભા મહિલાનું ડિલિવરી વેળા વધુ લોહી વહી જતાં મૃત્યુ થતા તેના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તેમજ સગાઓએ એક ડોકટરનું કારમાં અપહરણ કરી ડોકટરની બેદરકારીથી જ સગર્ભાનું મોત નીપજયું હોવાનો વીડિયો બનાવી ડોકટરને છોડી મુકયા હતા. આ સમગ્ર ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીને દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના એલિસબ્રિજની નવકાર હોસ્પિટલમાં ડિલિવરી વેળા સગર્ભા મહિલાના મોતને લીધે ડોકટરના અપહરણ કેસમાં બે આરોપી વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસે આવેલા શૌચાલય પાસે હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી સલમાન સુલતાનભાઈ મીર્ઝા અને મોહંમદ શમશાદ, અફઝલ હુસૈન અન્સારી (બંને રહે વટવા, અમદાવાદ)ને ઝડપી પાડયા હતા. બંને આરોપીઓની પૂછપરછમાં તેમણે કબુલાત કરી હતી કે, તા.રપ ડિસેમ્બરના રોજ શાહેલખાનની પત્ની રૂપશારબાનુને નવકાર હોસ્પિટલમાં ડોકટરોએ યોગ્ય સારવાર કરી ન હોવાથી તેનું મોત નીપજયું હતું. જેથી ગુસ્સામાં તેમણે પોતાના સંબંધીઓ અને મિત્રો સાથે મળીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તેમજ ડોકટર કલ્પેશ નકુમને માર મારીને અપહરણ કરી પોતાના મકાન નજીક લઈ જઈ ધમકાવીને ખોટી કબુલાત કરાવતો વીડિયો બનાવી છોડી મુકયા હતા જો કે, પકડાયેલા આરોપીમાં સલમાન અગાઉ મારામારી અને હત્યા કરવાના પ્રયાસમાં પકડાયો હતો. તેમજ એકવાર પાસા પણ ભોગવી ચુકયો છે. જયારે મોહમ્મદ શમશાદ અગાઉ હત્યાના ગુનામાં વટવા પોલીસ સ્ટેશને પકડાયો હતો.