(એજન્સી) વોશિંગ્ટન, તા.રપ
એલોન મસ્કની અંતરિક્ષ એજન્સી સ્પેસ એક્સે ગત રાત્રીએ એક જ રોકેટમાંથી એક ૧૪૩ ઉપગ્રહો લોંચ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એક્સે ફેબ્રુઆરી ૨૦૧૭માં એક જ રોકેટમાંથી ૧૦૪ ઉપગ્રહો લોંચ કરવાના ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ઈસરોના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ગત રાત્રીએ લોંચ કરવામાં આવેલ ૧૪૩ ઉપગ્રહોમાં વ્યાવસાયિક અને સરકારી ક્યુબસેટ્સ, માઈક્રોસેટ્સ અને દસ સ્ટારલિંક ઉપગ્રહોનો સમાવેશ છે. આ ઉપગ્રહોનાં લોકાર્પણ સાથે, સ્પેસ એક્સે ૨૦૨૧ સુધીમાં વિશ્વભરમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સુવિધા પ્રદાન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેસ એક્સએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં સેટેલાઈટ લોન્ચિંગ માટે બહુ ઓછો ચાર્જ લીધો છે. તેણે દરેક સેટેલાઈટ માટે પ્રતિ કિલોગ્રામ ૧૫ હજાર ડોલર લીધા છે. આપને જણાવી દઈએ કે, ઈસરોએ ફેબ્રુઆરી ૨૦૧૭માં એક સાથે ૧૦૪ ઉપગ્રહો લોંચ કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૭માં ઈસરોએ જે કર્યું તે કરવામાં કોઈ અવકાશ એજન્સી સફળ થઈ ન હોતી. અમેરિકાના નાસા પણ ઈસરોની આ સિદ્ધિથી દંગ રહી ગઈ હતી. સ્પેસ એક્સ કંપની ફાલ્કન ૯ લોંચ વ્હિકલ રોકેટ દ્વારા ટ્રાન્સપોર્ટર-૧ દ્વારા ૧૪૩ ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં સફળ રહી છે. જ્યારે ફાલ્કન-૯ ૧૪૩ ઉપગ્રહોને લઈને અવકાશમાં ઉડ્યું હતું, ત્યારે તે ભારતની ઉપરથી પણ પસાર થયું હતું, જેનું સિગ્નલ ઈસરોની ટેલિમેટ્રી દ્વારા તેની મશીનમાં કેદ કરાયું હતું.
Recent Comments