(એજન્સી) નવી દિલ્હી, તા.૮
પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેલ લાલકૃષ્ણ અડવાણીના ૯૪મા જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓએ એમને શુભેચ્છા પાઠવવા એમના ઘરની આજે મુલાકત લીધી હતી. મોદીએ ટિ્‌વટ કરી અડવાણીને શુભેચ્છા પાઠવી હતી. એમણે લખ્યું લોકોને સશક્ત બનાવવાના પ્રયાસો અને સાંસ્કૃતિક વારસાને ટોચ ઉપર લઇ જવા બદલ દેશ આડવાણીનો ઋણી રહેશે. વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ નાયડુ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ અને ભાજપના અધ્યક્ષ નડ્ડાએ પણ અડવાણીની મુલાકાત લીધી હતી. મોદી ૨૦૧૪ના વર્ષથી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી એ દર વર્ષે અડવાણીના જન્મ દિવસે શુભેચ્છા આપવા એમના ઘરે જાય છે. રાજનાથસિંહે અડવાણીને માર્ગદર્શક અને પ્રોત્સાહક વ્યક્તિ ગણાવ્યા હતાં. એમણે કહ્યું કે, અડવાણીની દુરદર્શીતા, બુદ્ધિમત્તા અને વિદ્વાનતાને હંમેશ આદર આપવામાં આવશે. શાહે એમની પ્રશંસા કરતા કહ્યું કે, પાર્ટીના વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે એમના પ્રયાસો અદ્વિતીય છે એમણે સંગઠનને દેશમાં એક નવી ઓળખ આપી છે. ભાજપના મુખ્ય ઘડવૈયા અને ભાજપને રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊંચાઈ ઉપર લઇ જનાર અડવાણી જ છે. એમણે ભાજપનું ભવિષ્ય રામ જન્મ ભૂમિ સાથે જોડી દીધું હતું. ૮૦ના અંતિમ વર્ષોમાં અડવાણીએ હિન્દુત્વ રાજકારણને પ્રોત્સાહિત કર્યું અને પક્ષના વ્યાપને વધાર્યો. અડવાણી અટલબિહારી વાજપેયીના ગાઢ મિત્ર અને એક સાથે કામ કરનારા રહ્યા હતા. અડવાણીનો જન્મ અવિભાજિત ભારતના કરાચીમાં થયો હતો. સૌથી પહેલા તેઓ આરએસએસ સાથે જોડાયા હતા અને એના પછી જનસંઘ અને પછી ભાજપની સુકાન સંભાળી હતી.