ઇસ્લામાબાદ,તા.૯
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપને રદ કરવાની વાત કહી હતી. જેના પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મરચા લાગ્યા હોય એમ લાગી રહ્યું છે. ગાંગુલીના નિવેદન બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ પીસીબીના ડાયરેક્ટર સમિયુલ હસને કહ્યું કે એશિયા કપને રદ કરવાનું સૌરવ ગાંગુલીનું નિવેદન અર્થ વગરનું છે. આ ટુર્નામેન્ટનું ભવિષ્ય માત્ર એશિયન ક્રિકેટ કાઉન્સિલ જ નક્કિ કરી શકશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોઈ કારણ જણાવ્યા વગર એશિયા કપ રદ કરવાની વાત કહી હતી. હસને કહ્યું કે,‘સૌરવ ગાંગુલી ભલે દરેક સપ્તાહે નિવેદન આપતા રહે પરંતુ તેનો કોઈ આધાર અને ફાયદો નથી. એશિયા કંપને લઈ અંતિમ નિર્ણય એસીસી કરશે અને તેની જાહેરાત નજમુલ હસન કરશે. આ અંગે અંતિમ નિર્ણય એસીસીની આગામી બેઠકમાં થઈ શકે છે.’