વડોદરા, તા.૩૦
એસએસજીમાં કોરોના દર્દીઓની સારવાર માટેના વહીવટમાં અંધેર ચલાવતા સુપ્રિન્ટેન્ડન્ટ ડો.દેવેશ્વરને એસએસજીમાંથી તાત્કાલિક અસરથી રાજ્ય સરકારે રવાના કર્યા છે. હવે તેઓ હિંમતનગર કોલેજના ડીન તરીકે ઓળખાશે. કોરોના મહામારીમાં દર્દીઓ એસએસજીમાં ઓક્સિજનના અપૂરતા સપ્લાય અને વેન્ટીલેટરના અભાવે મરી રહ્યાં હોવાની તેમજ ડિજિટલ એક્સ-રે મશીન વિના કલાકો સુધી રાહ જોવી પડી હોવાની ફરિયાદો ઊઠી હતી. એટલું જ નહીં કોરોનાની ૫૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવાની હતી ત્યારે માંડ ૪૦૦ જ બેડ ચાર-ચાર મહિનામાં તૈયાર કર્યા હતા. આ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ તેમની રિનોવેટ થયેલી ઓફિસમાં સંગીતની મજા માણતા હતા. આ સિવાય પણ હોસ્પિટલ સ્ટાફ, મૃતદેહોના નિકાલ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ અંગે પણ ગંભીર ફરિયાદો કોરોના એડવાઈઝર ડો.મીનું પટેલ અને અશોક પટેલ સમક્ષ આવતાં તેમણે કોરોના ઓએસડી ડો.વિનોદ રાવને રિપોર્ટ કર્યો હતો. આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી હતી. આથી ડો.દેવેશ્વરને જીએમઈઆરએસ હિંમતનગરની મેડિકલ કોલેજના ડીનની ખાલી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. જ્યારે એસએસજીના નવા સુકાની તરીકે ઈએન્ડટીના પ્રાધ્યાપક ડો.રંજન જી ઐયરને સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કામગીરી સોંપવામાં આવી છે.