નવી દિલ્હી, તા.૧૯
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર વિરોધી) કાયદો હળવો નહીં બનાવાય. તેમને બંધારણ હેઠળ આપવામાં આવેલા હકો કોઈ છીનવી શકે નહીં, એમ ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભામાં પ્રશ્ર્‌નોત્તરી કાળ દરમિયાન સરકારે એસસી/એસટીને હક અપાવવાના કાયદામાં સુધારા કરવાના પગલાં સરકારે લીધા છે. હું ગૃહને ખાતરી આપવા માગું છું કે એસટી/એસટી વર્ગના લોકોને બંધારણ હેઠળ આપવામાં આવેલું સંરક્ષણ કોઈ પાછું ખેંચી શકે નહીં. એસસી/એસટી કાયદાને વધુ દૃઢ બનાવવા સરકારે આવશ્યક પગલાં લીધા છે. તેમણે વધુમાં કહ્યું કે માત્ર કાયદો જ નહીં નિયમોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. સીપીઆઈના નેતા ડી રાજાએ સુપ્રીમ કોર્ટના આદેશ અંગે ચિંતા વ્યકત કરતાં ગૃહ પ્રધાનનું નિવેદન આવ્યું હતું. અપરાધી દર માટેના મુદ્દે ગૃહ પ્રધાને કહ્યું હતું કે આ પહેલાં વિશેષ અદાલત હતી. અમારી સરકારને વિશેષ અદાલતની સંખ્યા પૂરતી ન હોવાનું લાગતાં વધારાની વિશેષ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. આવી લગભગ ૧૯૪ અદાલત સ્થાપવામાં આવી છે. સ્પેશિયલ એક્સક્લુઝિવ કોર્ટની સ્થાપના સાથે અપરાધી ઠેરવવાના દરમાં સુધારો થશે. ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હંસરાજ ગંગારામ આહિરે જણાવ્યું હતું કે ૨૪ રાજ્યમાં ખાસ કોર્ટ સ્થાપવામાં આવી છે જ્યારે, ૩૦ રાજ્યમાં સ્પેશિયલ કોર્ટ છે. કોર્ટની સ્થાપનામાં વિલંબ થાય તો રાજ્યોએ રસ લેવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પ્રમાણે ૨૦૧૬ અને ૨૦૧૩ ની વચ્ચે એસસી/એસટી વિરુદ્ધના ગુનામાં વધારો થયો ન હતો. ૨૦૧૬માં એસસી સામે ૪૦,૮૦૧ કેસ જ્યારે એસટી સામે ૬,૫૬૮ કેસ નોંધવામાં આવ્યા હતા.