મુંબઈ,તા.૧૦
સમાજમાં બાળકીઓ અને મહિલાઓ સાથે વધી રહેલી છેડછાડ અને શારીરિક શોષણની ઘટનાઓને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર એવો કાયદો બનાવી રહી છે જેમાં રેપ કરનાર માટે મૃત્યુદંડની જોગવાઈ રહેશે. કેબિનેટ તરફથી આ બિલને મંજૂરી મળી ગઈ છે અને બહુ જલદી તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કેબિનેટ બાદ કહ્યું કે મંત્રીમંડળે બેઠકમાં શક્તિ એક્ટ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દોષિત ઠરનાર વ્યક્તિને મૃત્યુદંડ, આજીવન કારાવાસ અને ભારે દંડ સહિત કડક સજા અને દંડની વ્યવસ્થા કરાઈ છે. આ અધિનિયમમાં પ્લાસ્ટિક સર્જરી અને ચહેરાના પુર્નનિર્માણ માટે એસિડ એટેક પીડિતાને ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને દોષિત પાસેથી પણ દંડ વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે આ અધિનિયમ (શક્તિ એક્ટ)માં રેપના કેસોની સુનાવણી વિશેષ કોર્ટમાં થશે અને પોલીસે ૧૫ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. આ પ્રકારના કેસમાં વધુમાં વધુ ૩૦ દિવસમાં ટ્રાયલ પૂરી કરવી પડશે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે તેને ઐતિહાસિક ફેસલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર હિંસા કરનારાઓમાં ડર વધશે. અનિલ દેશમુખે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના બે દિવસના શિયાળુ સત્રની શરૂઆત ૧૪ ડિસેમ્બરથી મુંબઈમાં થઈ રહી છે. આ શક્તિ એક્ટ બિલને આ શિયાળુ સત્રમાં રાજ્ય વિધાનમંડળમાં રજુ કરાશે. વિધાનમંડળના બે સદનોમાં ચર્ચા અને અનુમોદન બાદ તેને હસ્તાક્ષર માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદાને ’શક્તિ અધિનિયમ’ કહેવામાં આવશે. અનિલ દેશમુખે કહ્યું કે આ અધિનિયમ મહિલાઓ અને બાળકોની સુરક્ષા કરનારો સાબિત થશે.