(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
ખૂબ જ ચકચારીત બનેલા ખેત તલાવડી કૌભાંડમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના ધરમપુર કચેરીના ઈન્ચાર્જ મદદનીશ અધિકારી પ્રવિણકુમાર પ્રેમલ સહિત તેના પરિવાર સામે એસીબીએ રૂપિયા ૧૦.૫૪ કરોડની અપ્રમાણસર મિલ્કત સંબંધિત ગુનો દાખલ કર્યા બાદ પ્રવિણકુમારના પુત્ર ચિરાગે એસીબીની ધરપકડથી બચવા માટે નવસારી કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીને નવસારી સેશન્સ કોર્ટે નામંજૂર કરી દેતા એસીબી માટે તેની ધરપકડનો માર્ગે મોકળો બન્યો છે.
કેસની વિગત એવી છે કે ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના વલસાડના ધરમપુર કચેરીના ઈન્ચાર્જ મદદનીશ અધિકારી પ્રવિણકુમાર બાલચંદ પ્રેમલ દ્વારા માત્ર કાગળો પર જ ખેત તલાવડી બતાવી ખોટા બિલો બનાવી સરકાર પાસેથી લાખો રૂપિયા ઉસેડી લીધા હતા. આ અંગેની ફરિયાદ મળતા સરકાર દ્વારા એસીબીને તપાસ સોપવામાં આવી હતી જેમાં પ્રવિણકુમાર પ્રેમલ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પ્રદાફાશ થતા તેની સામે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એસીબી દ્વારા તેની સામે અપ્રમાણસર મિલ્કત સંદર્ભે તપાસ કરતા પ્રવિણકુમાર પ્રેમલ પાસેથી તેની આવક કરતા વધુ રૂપિયા ૧૦,૫૪,૫૭,૪૧૬ની મિલ્કત મળી આવી હતી. પ્રવિણકુમારે પોતાના હોદ્દાનો દુરપયોગ કરી લાંચથી બનાવેલી મિલ્કતમાં તેની પત્ની દમયંતિબેન અને પુત્ર ચિરાગની પણ સંડોવણી બહાર આવતા એસીબીએ પ્રવિણકુમાર સાથે તેની પત્ની અને પુત્ર સામે પણ અપ્રમાણસર લિકત સંદર્ભે નવસારી એસીબીમાં ગુનો દાખલ કર્યો હતો. જેમાં ચિરાગ પ્રેમલે એસીબીની ધરપકડથી બચવા માટે નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે અરજીને નવસારી સેશન્સ કોર્ટે નામંજૂર કરતો હુકમ કરતા એસીબી માટે તેની ધરપકડ કરવાનો માર્ગ ખુલ્લો થયો છે.