(એજન્સી) તા.૨૦
૨૩ ઓગસ્ટના રોજ ૨૮ વર્ષીય અખલાક સલમાની કામની શોધમાં સહારનપુરથી પાણીપત જિલ્લામાં આવ્યો હતો. જો કે, અહીં તેને ગડદાપાટું માર મારવામાં આવ્યો. તેના પરિવારના સભ્યો કહે છે કે તેને ફક્ત એટલા માટે જ મારવામાં આવ્યો કેમ કે હુમલાખોરો તેના હાથમાં ૭૮૬નો ટેટૂ જોઈ ગયા હતા. અખલાકના પરિજનો હવે હરિયાણા પોલીસ પર આરોપ મુકી રહ્યા છે કે તે આરોપીઓને બચાવી રહી છે. અખલાક વિરૂદ્ધ એક સગીરનું શોષણ કરવાનો આરોપ પણ મૂકી દેવાયો છે. જો કે, બંને પક્ષો સામ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન અખલાકના પરિજનો હવે તો ન્યાયની આશા પણ છોડી ચૂક્યા છે.
અખલાકનો મોટો ભાઈ કહે છે કે દરેક જગ્યાએ એવું મનાય છે કે શક્તિશાળી લોકો જ સત્ય બોલે છે અને આપણા જેવા ગરીબો તો જુઠ્ઠું જ બોલે છે. પોલીસની સ્ટોરી પણ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. મારા ભાઈના હાથ પર કોઈ નિશાન નહોતા તેવું પોલીસ જુઠ્ઠું બોલે છે. મારા ભાઈના શરીર પર અનેક નિશાન હતા. તેના પર પથ્થરો વડે હુમલા કરાયા હતા. લોખંડની રોડથી તેના પગને ભાંગી નખાયો હતો.
તે કહે છે કે મારા ભાઈ પર જે રીતે હુમલો કરાયો છે તે હુમલાખોરોની માનસિકતા બતાવી દે છે કે તેઓ કેટલા ક્રૂર હશે. શું આ ઈજાઓથી મારો ભાઈ બહાર આવી શકશે ? તે આટલો યુવા હોવા છતાં ચારથી પાંચ દિવસ સુધી તો બેભાન અવસ્થામાં જ રહ્યો. તે હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે. તેના માટે સરકારી હોસ્પિટલમાં તો કોઈ સ્થાન જ નથી. અમારી પાસે પૈસા પણ નથી. રાજનેતાઓ આવે છે અને જાય છે, આશ્વાસન આપતા જાય છે. અને હવે તો પોલીસે પણ અમારી વિરૂદ્ધ જ કેસ દાખલ કરી દીધો છે. મારા પરિવારને શંકા થઈ રહી છે કે હવે તો અમને ન્યાય મળવાથી રહ્યું. પણ મેં નક્કી કર્યુ છે કે હું મારા અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ.