(એજન્સી) સિઓલ, તા. ૬
ઉત્તર કોરિયામાંથી આજે અહેવાલ મળ્યા હતા કે, અહીના શાસક કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાના અધિકારીઓ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ કોરિયન દેશોને ઝડપથી આગળ વધવામાં મજબૂતી પ્રદાન કરશે. ઉત્તર કોરિયન સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, બંને દેશના નેતાઓની આ પ્રથમવારની મુલાકાત હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાનું ૧૦ સભ્યોનું પ્રતિનિધિમંડળ સોમવારે પ્યોંગયોંગ પહોંચ્યું હતું. એવી આશા વ્યક્ત કરાઇ છે કે, ત્યારબાદ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પણ મંત્રણા શક્ય બનશે. પાછલા મહિને પુરી થયેલી ઓલિમ્પિક રમતો બાદ બંને દેશો વચ્ચે તંગદિલી ઓછી થઇ છે. કિમ જોંગ ઉને મૂનને પ્યોંગયોંગ આમંત્રિત કર્યા હતા જે બાદ મૂને કહ્યું હતું કે, બંને દેશો વહેલી તકે સાથે કામ કરી શકે છે. જોકે, એજન્સીએ એ વાતની પુષ્ટી નહોતી કરી કે કયા મુદ્દે સમજૂતી સધાઇ છે. કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે પાછલા મહિને પ્યોંગયોંગમાં આયોજિત વિન્ટર ઓલિમ્પિકમાં સામેલ થયા હતા. એસોસિએટ્‌સ પ્રેસ અનુસાર કોરિયન દેશો વચ્ચે એપ્રિલમાં મંત્રણા આયોજિત કરવા માટે સહમતી સધાઇ હતી. એવું કહેવામાં આવે છે કે પ્રતિનિધિમંડળ વહેલી તકે પ્યોંગયોંગના પ્રવાસે જશે જ્યાં તેઓ કિમના અધિકારીઓ સાથે બીજી મુલાકાત કરશેે. ઉત્તર કોરિયા અને અમેરિકાએ જણાવ્યું હતું કે, તેઓ પરમાણુ શક્તિ નિરાકરણ માટે ચર્ચા કરવા માટે તૈયાર છે. પેન્ટાગોને પણ કોરિયન દેશો વચ્ચે મંત્રણાને લઇ આશા વ્યક્ત કરી હતી કે, આ મંત્રણા સફળ નિવડી શકે છે. પ્યોંગયોંગે નવેમ્બર બાદ કોઇપણ પ્રકારનો પરમાણુ કે મિસાઇલ પરિક્ષણ કર્યું નથી. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની ટીમ માટે પ્યોંગયોંગ ખાતે વર્કર પાર્ટી ઓફ કોરિયાના મુખ્યમથકમાં ડીનરનું આયોજન કર્યું હતું. દક્ષિણ કોરિયાના અધિકારીઓએ પણ કબૂલાત કરી હતી કે, તેમની મેજબાની શાનદાર રીતે કરાઇ હતી.