મહેમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણો બાદ કેટલાક તત્ત્વોએ વિવાદ કરવાના હેતુથી ગેરકાયદેસર ધાર્મિક મૂર્તિઓ મૂકીને મંદિર બનાવવાના હેતુથી ખેડા જિલ્લાના મહેમદાવાદમાં પ્રયાસો હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.
મહેમદાવાદ નજીક આવેલ ઐતિહાસિક દરગાહ રોજારોજી પુરાતત્ત્વ વિભાગની દેખરેખમાં આવેલી છે. તેમાં પણ કેટલાક તત્ત્વોએ મૂર્તિ સ્થાપિત કરીને ગેરકાયેદસર મંદિર બનાવવા તજવીજ કરી રહ્યા હોવાથી જમિયતે ઉલ્માએ હિંદ અમદાવાદ દ્વારા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગને લેખિત અરજી આપી વિવાદસ્પદ ગેરકાયદેસર સ્થળને હટાવવા માગણી કરી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ સ્થાનિક લોકો તથા જમિયતે ઉલ્માએ હિંદ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી સ્થાનિક લોકો દ્વારા દરગાહે આવતા શ્રદ્ધાળુઓમાં નારાજગી વ્પાપી જવા પામી છે. ઐતિહાસિક સ્થળ રોજારોજી દરગાહ એક સુંદર રાષ્ટ્રીય સ્મારક છે. અહીંયા મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ આવતા જતા રહે છે. આ સ્મારકને નુકસાન થાય તેવી રીતે નજીકના ગામના કેટલાક તત્ત્વો વિવાદ ઊભો કરવા અહીંયા નજીકમાં પુરાતત્ત્વ ખાતાના રાષ્ટ્રીય સ્મારક માટેના નીતિ-નિયમ વિરૂદ્ધ મંદિર જેવું બનાવી રહ્યા હોવાથી જમિયતે ઉલ્માએ હિંદ ગુજરાતે દબાણ હટાવવા માગણી કરે છે.