(એજન્સી) તા.ર૭
બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ એવી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાના ટેસ્ટ નેગેટિવ આવતાં બંને મા-દીકરીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે એમ ઐશ્વર્યા રાયના પતિ અને અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકે આજે તેમના ટિ્‌વટર હેન્ડલ ઉપર ટિ્‌વટ કરીને જાણકારી આપી હતી. જો કે અભિષેક અને તેના પિતા અમિતાભ હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યાને ગત ૧૨ જુલાઇના રોજ કોરોનાનો પોઝિટિવ ટેસ્ટ આવતાં પાંચ દિવસ બાદ સારવાર માટે તે બંનેને મુંબઇની વિખ્યાત નાણાંવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોતાની પત્ની અને પુત્રી સાજાં થઇને ઘરે પાછાં આવી ગયાં તે બદલ અભિષેક બચ્ચને લોકોનો આભાર માનતા કહ્યું હતું કે, તમારા લોકોની સતત શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ બદલ તમારો આભાર માનું છું. તમારો સદાય ઋણી રહીશ. ઐશ્વર્યા અને આરાધ્યાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને બંનેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેઓ હવે ઘરે આવી ગયાં છે. મારા પિતા અને હું હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છીએ અને અહીંનો મેડિકલ સ્ટાફ અમારી કાળજી લઇ રહ્યો છે એમ અભિષેકે હોસ્પિટલના બિછાનેથી ટિ્‌વટ કરીને દેશવાસીઓને માહિતી આપી હતી. યાદ રહે કે અભિષેક બચ્ચનનો ટેસ્ટ પણ ગત ૧૨ જુલાઇના રોજ પોઝિટિવ આવતા તેને પણ નાણાંવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઇ હતી કે અમિતાભ બચ્ચનનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તે સાજા થઈ ગયા છે. આ અફવાની જાણ થતાંની સાથે જ અમિતાભ બચ્ચને આ સમાચાર ખોટા હોવાનું ટિ્‌વટ કરીને જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે અમિતાભ બચ્ચનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તે સાથે જ તેમણે ખેલદીલીપૂર્વક સોશિયલ મીડિયાના માધ્યમની પોતાની બીમારીની સમગ્ર દેશવાસીઓને જાણકારી આપી દીધી હતી, એટલું જ નહીં પરંતુ તેમણે છેલ્લા દસ દિવસમાં તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને પણ ટેસ્ટિંગ કરાવી લેવાની સલાહ આપી હતી.