સિડની, તા. ૩
માઈકલ હસીનું માનવું છે કે વર્ષના અંતે થનારી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતને ઑસ્ટ્રેલિયા પાસેથી તગડી ફાઇટ મળી શકે છે. ૨૦૧૮-૧૯માં ભારતે ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર હાર આપી હતી, જેનો બદલો લેવા યજમાન ટીમ તૈયારી કરી રહી છે. વળી આ વખતે તેમની ટીમમાં ડેવિડ વૉર્નર અને સ્ટીવન સ્મિથ જેવા પ્લેયરોનો પણ સમાવેશ થશે. આ સિરીઝ વિશે માઇકલ હસીનું કહેવું છે કે ‘સ્વાભાવિક છે કે સ્મિથ અને વૉર્નરના ટીમમાં પાછા આવવાથી ઘણો ફાયદો મળશે. અમારા પ્લેયર પણ પાછલી હારનો બદલો લેવા ઘણા આતુર રહે છે અને સારી એવી તૈયારી પણ કરી રહ્યા છે.
આ વખતે ભારતને ઑસ્ટ્રેલિયા પાસેથી તગડી ફાઇટ મળશે. અમારી બોલિંગમાં પેટ કમિન્સ, મિચેલ ક્લાર્ક, જોશ હેઝલવુડ, જેમ્સ પેટિન્સન અને નેથન લાયન જેવા વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. અમારી ટીમ ઘણી સારી છે અને ટેસ્ટ ક્રિકેટમાં તેઓ અદ્ભુત છે. અમે જાણીએ છીએ કે ઇન્ડિયા વર્લ્ડ ક્લાસ ટીમ છે, પણ ઑસ્ટ્રેલિયન ટીમને તેની જ ધરતી પર હરાવવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડશે. ખરું કહું તો આ ટેસ્ટ સિરીઝ ઘણા પ્લેયરોની પરીક્ષા લેશે, પણ રોહિત શર્મા જેવા ક્રિકેટર જેણે ઘણી ક્રિકેટ રમી છે તેમને વાંધો આવે એવું લાગતું નથી. તેનામાં દરેક પ્રકારની સ્કિલ છે અને તે દરેક પરિસ્થિતિમાં સારું રમી શકે છે, એ બાબતે મને જરા પણ શંકા નથી.’