(એજન્સી) તા.૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ફરી એકવાર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વાર્ષિક સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું. રાજ્ય સરકારના સૂત્રોએ આ પુષ્ટી કરી હતી. માહિતી અનુસાર આ વખતે સંબોધન ઓનલાઈન આયોજિત કરાશે. આંતરરાષ્ટ્રીય વાહનવ્યવહાર બંધ હોવાને લીધે વર્ચ્યુઅલ માધ્યમથી આ સંબોધનનું પ્રસારણ પણ કરાશે. અગાઉ ૨૦૧૭માં મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. ઓક્સફોર્ડ યુનિયન તરફથી મોકલાયેલા પત્રમાં લખ્યું છે કે અમે તમારી સાથે ૨૦૦ વર્ષ પૂરાં થવાના પ્રસંગે આયોજિત થનાર વૈશ્વિક ચર્ચામાં સામેલ થવા ઉત્સુક છીએ. એવા અહેવાલ મળ્યાં છે કે આ ડિબેટમાં ભાગ લેવા માટે મમતા બેનરજીએ પણ સંમતિ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી આયોજિત થનારા કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ, રોનાલ્ડ રીગન, રીચર્ડ નિક્સન, તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે, મધર ટેરેસા જેવા દિગ્ગજ સામેલ થઈ ચૂક્યા છે. અગાઉ મમતા બેનરજી જ્યારે કેન્દ્ર સરકારમાં રેલવેમંત્રી પદે હતા ત્યારે તેમને ૨૦૧૦માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી સંબોધન માટે આમંત્રણ મળ્યું હતું. જોકે ત્યારે તેઓ તેમાં જોડાઈ શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને મમતા બેનરજી સામે અનેક પડકારો ઊભા છે.