જામનગર,તા.૨૨
ઓખાના બંદર પર લાંબા સમયથી ગેરકાયદે બાંધકામો થઈ રહ્યાં છે. તે સ્થળે થોડા દિવસ પહેલાં દ્વારકાનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધસી આવી બાંધકામ અટકાવ્યા પછી તે બાંધકામો ફરીથી ચાલુ થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે.
દેશના છેવાડાના સંવેદનશીલ ગણાતા ઓખા પોર્ટ પર મેરીટાઈમ બોર્ડની માલિકીની જગ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે. મેરીટાઈમ બોર્ડ ૧૯૫૦ના પોર્ટ એક્ટની પેટા કલમો હેઠળ દરિયાના હાઈટાઈડ વોટર લેવલથી ૫૦ મીટર સુધીની જગ્યા બોર્ડની હોવાનું દર્શાવાયું હોવા છતાં તે જમીન પર થતાં બાંધકામ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. સી.આર.ઝેડ.ના નિયમ અંતર્ગત ૫૦૦ મીટર સુધી બહારના ભાગ પર અને ૫૦ મીટર સુધી અંદરના ભાગ પર કોઈપણ બાંધકામ કરવાની મનાઈ હોવા છતાં ત્યાં બાંધકામ થઈ રહ્યા છે. ત્યાં બિનઅધિકૃત બાંધકામથી બનાવાયેલા માછીમારી બંદર અને ફિશિંગ પ્લોટ એરિયામાં બિનઅધિકૃત રીતે રહેતાં લોકોને પ્રાથમિક સુવિધા આપવાના બહાના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરી આ જમીનની માલિકી પોતાની હોવાનું દર્શાવી રોકડી કરવામાં આવી રહી છે. જ્યારે રેવન્યૂ ખાતા દ્વારા આ જમીન પર સરકારી વેરો વસૂલવાના અધિકાર તેમને હોય તેમના દ્વારા રોકડી કરવામાં આવે છે. જ્યારે પોલીસ દ્વારા આ જમીન પર થતાં બિનઅધિકૃત બાંધકામો અટકાવવા કોઈ સરકારી તંત્ર આવે તે પહેલાં તેમની સુરક્ષા અર્થે બંદોબસ્ત માંગવામાં આવે છે. ત્યારે બાંધકામ કરનારાને મદદરૂપ થઈ રોકડી કરી લેવામાં આવે છે. તાજેતરમાં દેવભૂમિ દ્વારકા એસઓજીની ટીમે ઓખા બંદર પર ચાલતા તમામ ગેરકાયદે બાંધકામો રોકી લીધાં હતાં. પરંતુ બે-ત્રણ દિવસ પછી ફરીથી બાંધકામો ધમધમતા થયાં હતાં. આ બાબતે એસઓજી પી.આઈ. એચ. આર. હેરભાને પૂછવામાં આવતાં તેઓએ એસઓજીની ટીમ દ્વારા બંદર પર કરાતા બાંધકામોને અટકાવવાની કરેલી કામગીરી કે તે પુનઃ શરૃ થયેલા બાંધકામો અંગે કોઈજ ખ્યાલ ન હોવાનું જણાવતા પી આઈની મંજૂરી વગર જ તેઓની ટીમે બાંધકામો અટકાવ્યા હતાં કે શું તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.