(સંવાદદાતા દ્વારા)
ખંભાળિયા, તા.૨૯
સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર શૌચાલય કૌભાંડની તપાસ માટે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓની ટીમે ઓખા મંડળમાં ધામા નાખ્યા છે. સમગ્ર ગુજરાતમાં ભારે ચકરાર જગાડનારા ઓખા પાલિકા વિસ્તારમાં થયેલા શૌચાલય સહાયના કૌભાંડ કાગળ પર થયેલા જાજરૂમાં આચરાયેલા કરોડોના ભ્રષ્ટાચાર પ્રકરણના ઘેરા પડઘાં પડ્યા છે. ખોટા રિપોર્ટો બનાવીને ૨.૭૫ કરોડના ચૂકવણા થયાના ભ્રષ્ટાચાર અંગે તત્કાલિન પ્રમુખો-ઈજનેરો સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે કુલ ૧૯ વ્યક્તિઓ સામે ગંભીર ફરિયાદ થઈ હતી. જેના સંદર્ભમાં જામનગર એસીબીને તપાસ સોંપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જામનગરથી એસીબી પીઆઈ એન.કે. વ્યાસની આગેવાનીમાં એક ટુકડી ગઈકાલથી ઓખા વિસ્તારમાં પહોંચી હતી. જેમની સાથે દ્વારકા એસીબી પીઆઈ ચંદુલાલ સુરેજા પણ જોડાયા હતા. તપાસનીશ એસીબી અધિકારી નીતિન વ્યાસે જણાવ્યું હતું કે, ૨.૭૫ કરોડના આ ભ્રષ્ટાચારની વિવિધ કલમો હેઠળ ૧૯ વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ છે. તેના ડોક્યુમેન્ટની તપાસણી હાથ ધરવામાં આવી છે તથા આ પછી નિવેદનો સ્થળ તપાસ તથા આગળની તપાસનો દોર ચાલુ થશે. રૂા.૨.૭૫ કરોડની આ ફરિયાદના પગલે ઓખા મંડળના રાજકારણમાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો તથા ફરિયાદમાં જાહેર થયેલ નામોવાળા લોકોમાં રાજકીય આશ્રય માટે દોડધામ શરૂ થઈ હતી ત્યાં એસીબી ઓખામાં આવતા ફરી પાછા નેતાઓ દોડવા લાગ્યા છે.