અમદાવાદ, તા.પ
ઓખી વાવાઝોડાના કહેરથી કેરળ-તામિલનાડુમાં મોતનો આંકડો ૩૯ સુધી પહોંચી ગયો છે તો ૧૬૭ માછીમારો ગુમ થયા છે ત્યારે ઓખી વાવાઝોડું ગુજરાતમાં સુરતમાંથી પસાર થઈને દક્ષિણ ગુજરાત ઉપર ત્રાટકવાની શક્યતાને પગલે રાજ્યના તંત્રને એલર્ટ કરી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવી દેવાયું છે. તેવામાં મંગળવારે મોડી રાત્રે ઓખી વાવાઝોડું દરિયામાં સમેટાઈ ગયું હોવાથી સુરત અને દક્ષિણ ગુજરાત ઉપરથી ઓખી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. મોડી રાત્રે મળેલા અહેવાલો પ્રમાણે ગુજરાતના ખંભાતના અખાતમાં વાવાઝોડું ધીમું પડી ગયું હતું. ત્યારબાદ દરિયામાં ઓખી વાવાઝોડું વિખેરાઈ ગયું હતું. જો કે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેના લીધે રાજ્ય સરકારે તંત્રને ખડેપગે રહેવા આદેશ આપી દીધા છે. તમામ જિલ્લાઓના અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. તેમજ દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા રાજ્ય સરકારે ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. મોડી રાત્રે ઓખી વાવાઝોડું દરિયામાં સમેટાયું હોવાથી સકંટના વાદળો હટી ગયા છે. જેના લીધે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર મળ્યા છે પરંતુ ભારે વરસાદ પડવાની શક્યતા હજુ પણ સેવાઈ રહી છે ત્યારે રાજ્યમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે.
ઓખી વાવાઝોડું દરિયામાં વિખેરાતા સંકટના વાદળો હટી ગયા

Recent Comments