(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
ટેક્ષની ચોરી કરનારાઓ મોટા કરદાતાઓને પકડવા માટે આવકવેરા વિભાગ કડક કાર્યવાહી કરવા છતાં પણ કેટલાક કરદાતાઓ ટેક્ષ ચોરી કરવા માટેના નવા રસ્તાઓ શોધી કાઢે છે. વિભાગ દ્વારા સુરત સહિત રાજ્યના મોટા શહેરોના એવા લ્ડિરોની યાદી તૈયાર કરી છે કે જેઓ દ્વારા જંત્રી આધારિત ભાવ કરતા ઓછા ભાવે જમીનોના સોદાઓ કરી દસ્તાવેજ કરાવ્યા છે. હવે આગામી દિવસોમાં વિભાગ દ્વારા આ તમામ બિલ્ડરોને સણસામાં લેવાની શરુઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
કેન્દ્રના નાણામંત્રાલયને આવકવેરા કચેરીમાં જે નવી ક્રિમીનલ ઇનવેસ્ટીગેશન વીંગ શરુ કરી છે તેમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં માત્ર દસ અધિકારીઓ છે. આ ઇન્કમટેક્સ ઓફિસરોને પ્રત્યેકને ૧૦૦ કેસનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મોટા ભાગે કરચોરી કરનારને નોટીસ આપીને ખુલાસો માંગવામાં આવે છે પણ વિભાગને તેનો જવાબ મળતો નહિં હોવાથી કડક વલણ અપનાવવાના નવી દિલ્હી ખાતેથી આદેશ આવી ગયા છે. ચાર કેસોમાં નોટીસ આધારિત કોઇ જવાબ આપવામાં નહિં આવતા દરોડા પાડવામાં આવ્યા હતા.પેનકાર્ડ આધારિત હોય તો ઇન્વેસ્ટીગેશન વીંગ પાસે માહિતી જાય છે પણ પેનકાર્ડ વગરના સોદાઓ હોય તેની અમારી ક્રિમીનલ વીંગ પાસે બાતમીઓ સિસ્ટમ આધારિત આવે છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતાઓ છે કે ખેતીની જમીનનો સોદો કરવામાં આવે તો કોઇ ઇન્કમટેક્સ લાગતો નથી. ગામડાઓમાં ખેતી લાયક જમીન વેચાણ કરવામાં આવે તો મુક્તિ છે પરંતુ શહેરમાં મ્યુ. કોર્પોરેશનની હદથી ૮ કિ.મી. દુર સુધી ખેતીલાયક જમીનોના સોદાઓ થાય તો કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે.
નિર્ધારિત કરેલી જંત્રી કરતા ઓછા ભાવે કરેલા સોદાઓની માહિતી સમગ્ર રાજ્યની આવેલી છે તેવા કિસ્સામાં એક હજાર જેટલા કરદાતાઓએ છુપાયેલી ટેક્સની આવકની વસુલાત કરવા માટે આવતા મહિનાથી સખ્ત કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.