ડીસા, તા.૧૪
ડીસા તાલુકાના ભોયણ ગામના યુવાન ખેડૂતે ઓછી જમીન અને ઓછા પાણીએ વધુ ઉપજ આપતી તેમજ ગુજરાતમાં સૌપ્રથમવાર જીરેનિયમ ની ખેતી કરી વધુ આવક મેળવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતો હવે ચિલાચાલુ ખેતી છોડીને જીરેનિયમ જેવા સુગંધિત નવા પાકો તરફ વળ્યા છે. જીરેનિયમ તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ જ માંગ જોવા મળી રહી છે. આમ તો જીરેનિયમની ખેતી પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં થાય છે. ડીસા તાલુકાના ભોયણ ગામના ૩૦ વર્ષીય શ્રીકાંતભાઇ પંચાલે ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં ધંધાર્થે મુંબઈમાં ફેબ્રીકેશનનો વર્કશોપ ધરાવે છે પરંતુ સાથી મિત્રની પ્રેરણાથી વર્ષ ૨૦૧૯માં પોણા બે વિઘા જમીનમાં ૧૦ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચાલુ વર્ષે લોકડાઉનમાં સમય મળતાં જાતે જ રોપા તૈયાર કરીને વધુ ૪૦ હજાર જીરેનિયમના છોડ વાવવામાં આવ્યાં છે. વાવેતરના ત્રણ મહિના જેટલા સમયમાં જ ઉત્પાદન શરૂ થઇ જાય છે. જીરેનીયમનો ઉપયોગ કોસ્મેટિક, સુગંધીત તેમજ ઔષધીય બનાવટોમાં થાય છે. જીરેનીયમ તેલનું વેચાણ મુંબઈની કંપનીને ૧૨થી ૧૪ હજાર રૂપિયા લીટરના ભાવે કરવામાં આવે છે. તેઓએ ૭ વીઘામાં પાકનું વાવેતર કરેલ છે અને ડીસ્ટિલેશન યુનિટ પણ ઉભુ કરેલ છે. જેના દ્વારા જીરેનીયમનું તેલ કાઢિ શકાય છે. આ પાકની દર ૩થી ૪ મહીને કાપણી થાય છે અને ત્યાર બાદ એમાંથી તેલ કાઢવામાં આવે છે. અત્યાર સુધી બે વિઘા જમીનમાંથી ૪.૫૦ લાખની આવક મેળવેલ છે.
આ અંગે શ્રીકાંતભાઇ પંચાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જીરેનિયમની ખેતીને “એરોમા મિશન” હેઠળ આવરી લીધી છે. જેથી આ ખેતીના વાવેતર, ઉત્પાદન અને પ્રોસેસિંગ પ્લાન્ટ ઉભો કરવા માટે પણ સરકાર સબસીડી સ્વરૂપે મદદરૂપ બની રહી છે.
આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના ડૉ. યોગેશ પવારે જણાવ્યું હતું કે, વધતી જતી મોઘવારીના સમયમાં ઉત્સાહી ખેડૂતોએ હવે આધુનિક ખેતી તરફ વળવું પડશે. જીરેનિયમ જેવો પાક ઓછી જમીન અને ઓછા પાણીએ પણ વધુ આવક રળી આપે છે.