(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ નજીકના સોનારડી ગામ પાસેના ઓઝત નદીના પૂલ ઉપરથી પસાર થઈ રહેલા રેતી ભરેલા ડમ્પરના ચાલકે કોઈ કારણોસર કાબૂ ગુમાવતા ડમ્પર ૪પ ફૂટ ઊંચા પૂલ પરથી નીચે ખાબકી પલટી મારી ગયું હતું. આ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તો સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર આપી પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ સોનારડી ગામ પાસેના ઓઝત નદીના પૂલ ઉપરથી રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. દરમિયાન અચાનક ચાલકે સ્ટેરિંગ ઉપર કાબૂ ગુમાવતા ડમ્પર પૂલ પરથી નીચે ખાબકી પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં બે વ્યક્તિ ડમ્પર નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ૧૦૮ અને ફાયર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારે જહેમત બાદ બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ડ્રાઈવર અરજનભાઈ કેશવાલા (ઉ.વ.૩૫, રહે. જામકંડોરણાવાળા) કેબિનમાં ફસાઈ જતા પતરા કાપીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ શ્યામ ડેડાણિયા (ઉ.વ.૩૫)ને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ડમ્પરના બે કટકા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત બંનેને સિવિલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.