(એજન્સી) તા.૧૮
ટોયોટા કંપની ઊંચા કરવેરાના કારણે દેશમાં પોતાનું વિસ્તરણ અટકાવશે એવા અહેવાલો બાદ નાણા મંત્રાલયના એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઓટો ઉત્પાદકોએ કિંમત ઘટાડવા માટે કરવેરામાં રાહત માગવાના બદલે વિદેશી ભાગીદારોને રોયલ્ટી ચૂકવણી ઘટાડવી જોઇએ.
કોરોના વાયરસ મહામારીના પરિણામે ઓગસ્ટ સુધી પાંચ મહિનામાં પ્રવાસી વાહનોના વેચાણમાં ૫૦ ટકાનો ઘટાડો થતાં ઓટો ઉત્પાદકોએ કરવેરા ઘટાડવા માટે સરકારમાં લોબિંગ કર્યુ છે. પરંતુ મંગળવારે વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ટોયોટા મોટર્સ કોર્પોરેશને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તે ભારતીય બજારને પ્રતિબદ્ધ છે. તેના સ્થાનિક એકમના સિનિયર એક્ઝિક્યુટીવે હવે ટોયોટા કંપની જો કરવેરા ઊંચા રહેશે તો દેશમાં વધુ વિસ્તરણ કરશે નહીં એવું જણાવ્યા બાદ ટોયોટા મોટર્સ કોર્પોરેશને આ નિવેદન કર્યુ હતું.
જાપાનીઝ ઓટો ઉત્પાદક ટોયોટોએ એક બીજું નિવેદન એવું કર્યુ છે કે તે આગામી દિવસમાં ભારતમાં ૨૭૨ મિલીયન ડોલર્સ કરતાં વધુ રકમનું મૂડીરોકાણ કરવા માગે છે. ભારતમાં વેચાણ કરવામાં આવતી કાર પર ૨૮ ટકા જેટલા ઊંચા કરવેરા છે અને વધારાના કરવેરા ધ્યાનમાં લેવામાં આવે તો કેટલાક મોડલ પર ૫૦ ટકા જેટલો ટેક્સ વસુલવામાં આવે છે. ધ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સીઆમ) દ્વારા સરકારને કાર, મોટરબાઇક અને બસ પર ટેક્સ ઘટાડીને ૧૮ ટકા કરવા અનુરોધ કર્યો છે.
સાથે સાથે એવી પણ ચેતવણી આપી છે કે ૨૦૧૮ના સર્વોચ્ચ સ્તરે પહોંચતાં ૩થી ૪ વર્ષ લાગશે. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે દેશમાં ઓટો ઉત્પાદકોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે તેમણે વિદેશી પેરેન્ટ કંપનીઓને રોયલ્ટી પેમેન્ટ ઘટાડવાના ઉપાય શોધી કાઢવા જોઇએ. મારૂતિ સુઝૂકીએ ૩૧, માર્ચના રોજ સમાપ્ત થતાં નાણાકીય વર્ષમાં પોતાની જાપાની પેરેન્ટ કંપની સઝૂકી મોટરને રૂા.૩૮૨૦ કરોડની રોયલ્ટી ચૂકવી હતી. જ્યારે ટોયોટાએ પોતાની પેરેન્ટ કંપનીને ૮૮ મિલિયન ડોલર રોયલ્ટી તરીકે ચૂકવી હતી.