ફેસબુકને લખવામાં આવેલા એક ખુલ્લા પત્રમાં ૪૦થી વધુ સંગઠનોએ
જણાવ્યું છે કે જો ઓડિટ કે તપાસમાં ‘ધ વોલસ્ટ્રીટ જનરલે’ આપેલી વિગતો
સાચી પડે તો અંખી દાસને તેમની ભૂમિકામાંથી હટાવી દેવાં જોઇએ

(એજન્સી) તા.૧૧
૪૦થી વધુ માનવ અધિકાર અને ઇન્ટરનેટ વોચ ડોટ સંગઠનોએ ફેસબુકને તેના ભારતીય ઓપરેશન પર હાલ ચાલી રહેલ ઓડિટ પૂરૂં થાય ત્યાં સુધી ફેસબુકના ટોચના ઇન્ડિયન પબ્લિક પોલીસી એક્ઝિક્યુટીવ અંખી દાસને રજા પર ઉતારી દેવા જણાવ્યું છે. ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગને લખેલા એક ખુલ્લા પત્રમાં અમેરિકા, યુકે અને ન્યૂઝીલેન્ડ સ્થિત વિવિધ સમૂહોએ એવું જણાવ્યું છે કે ફેસબુકે જ્ઞાતિ, ધાર્મિક પૂર્વગ્રહ અને ચૂંટણી કામગીરીને આવરી લેતાં તેના ઇન્ડિયા ઓપરેશનના હાલ ચાલી રહેલ માનવ અધિકાર ઓડિટનું સ્વાતંત્ર સુનિશ્ચિત કરવા તાત્કાલિક ઝડપી પગલાં લેવા જોઇએ. ઓડિટ ભારતના કાર્યાલયના પ્રભાવ વગર સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે થવું જોઇએ. ફેસબુકે સિવિલ સોસાયટી ગ્રુપ સાથે ભાગીદારી કરવા માટે ઓડિટ કરી રહેલા એજન્ટને સત્તા આપવી જોઇએ એવું પત્રમાં જણાવાયું છે. આ પત્ર પર સર્ધન લો પોવર્ટી સેન્ટર અને મુસ્લિમ એડવોકેટ્‌સ જેવા જાણીતા નાગરિક અધિકાર સંગઠનો દ્વારા સહી કરવામાં આવી છે. અહીં જે ઓડિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંગે સૌથી પ્રથમ રિપોર્ટીંગ ટાઇમ મેગેઝીને ગયા મહિને કર્યુ હતું. ભડકાઉ ભાષણો અને હિંસાને ઉશ્કેરતી બાબતો ફેલાવવામાં પોતાની ભૂમિકાનું મૂલ્યાંકન કરવાના પ્રયાસરૂપે ફેસબુકે ભારતમાં માનવ અધિકારના પ્રભાવ પર એક સ્વતંત્ર રિપોર્ટ માગ્યો છે. આ પત્રમાં માનવ અધિકાર જૂથોએ સ્પષ્ટપણે એવી માગણી કરી છે કે અંખી દાસને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરી દેવા જોઇએ. ફેસબુકને લખવામાં આવેલા એક ખુલ્લા પત્રમાં ૪૦થી વધુ સંગઠનોએ જણાવ્યું છે કે જો ઓડિટ કે તપાસમાં ધ વોલસ્ટ્રીટ જનરલે આપેલી વિગતો સાચી પડે તો અંખી દાસને તેમની ભૂમિકામાંથી હટાવી દેવા જોઇએ.