(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
સુરતમાં દરરોજ ૭૦થી ૮૦ મોત થતાં હોવાની ઓડિયો ક્લિપ વાયરલ કરનાર મનોરોગી સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, બે દિવસ અગાઉ સાંજે ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી. ૮ મિનિટ અને ૧૯ સેકન્ડની અને જીજે-૫ મોટા વરાછા ગ્રુપમાં મુકાયેલી સુરત ૧૦૮ના ડ્રાઇવરની વાત નામની ઓડિયો કલીપમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. વાતચીતમાં સુરતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહારની થઇ ગઈ છે અને રોજ ૭૦થી ૮૦ મોતની સામે સરકાર ૩થી ૪ મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તેથી દિવાળી સુધી વતનમાં જ રહેવામાં ભલાઈ છે તેમ કહેતા રમેશભાઈ તેમ પણ કહે છે કે એકતા ટ્રસ્ટવાળા રોડ ઉપર મંડપ બાંધી લાશો મૂકે છે. હું બીતો નથી પણ બે ત્રણ દિવસમાં લાશો જોઈ ગભરાઈ ગયો છું. દારૂ પીવું છું એટલે જોઈ શકું છું તેવું પણ રમેશભાઈ ઓડિયો ક્લીપમાં કહેતા સંભળાય છે. સુરતની સ્થિતિને અતિશયોક્તિવાળી બતાવતી ઓડિયો કલીપ ફરતી કરનાર વિરૂદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગતરાત્રે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.