અમદાવાદ, તા.૯
હાલ શહેરમાં કોરોનાને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે અન્ય શહેરોમાંથી આવતા વાહનોના ડ્રાઈવરો તેમજ તમામ પેસેન્જર્સના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ૮ ઓગસ્ટના રોજ ઓડિશાથી આવેલા ૧૧૯ મજૂરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૬ મજૂરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગીચ વસતિમાં વસવાટ કરતા આ મજૂરો દ્વારા ઘણાને ચેપ લાગવાનો ભય હતો. જેને કોર્પોરેશને ચેકિંગની કામગીરીથી અટકાવ્યો છે. આ અંગેની તમામ પ્રકારની જાણ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. તેમજ ૧૧૩ મજૂરોને પણ ક્વોરન્ટીન કરવા માટે ગાંધીનગરના જિલ્લા આરોગ્ય અધિકારી અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડ સાથે સંકળાયેલ કામગીરી કરતી હર હર કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટરને કરી છે.
કેન્દ્ર સરકારના રેલવે વિભાગ હેઠળના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડ (ડ્ઢહ્લઝ્રઝ્રૈંન્)ના બાંધકામ સાથે સંકળાયેલ કામગીરી કરતી હર હર કન્સ્ટ્રક્શન દ્વારા ઓડિશાથી બે બસમાં ૧૧૯ મજૂરોને ગાંધીનગરના પ્રતાપપુરા ગામમાં આવેલા કંપનીના લેબર ક્વાર્ટર્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન આ તમામ મજૂરનું અસલાલી સર્કલ પાસે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન ૬ મજૂરના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી આ ૬ મજૂરોને બહેરામપુરા વોર્ડમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને બાકીના ૧૧૩ મજૂરને પ્રતાપપુરાના લેબર ક્વાર્ટર્સમાં મોકલવામાં આવ્યા છે.