(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૨૯
એક મહિનામાં સોફટવેરની મદદથી રૂા.૩થી ૪ લાખ કમાવાની જાહેરાત કરતો મેસેજ તમને આવે તો ચેતી જજો કેમ કે આવો એકના ડબલનો મેસેજ કરનારા તમને નફો નહીં નુકસાન કરાવશે. આવી લાલચ આપીને સુરતની ઠગ ગેંગે અમદાવાદની મહિલાને રૂા.૨.૩૫ લાખનો ચુનો ચોપડી દીધો હતો. જેની ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે સુરતની ગેંગને પકડી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે.
અમદાવાદમાં રહેતા રેખા વાઘેલા નામની મહિલાને ફોરેક્ષ ટ્રેડીંગમાં એક મહિનામાં નાંણા રોકવાથી ડબલ કરી આપવાની લાલચ આપી રૂા.૨.૯૯ લાખ ભરાવ્યા હતા. ત્યારબાદ તેમને ભરોસો બેસે એટલે રૂા.૬૪,૮૦૦ પરત આપી રૂા.૨.૩૫ લાખનો ચુનો ચોપડ્યો હતો. જે અંગે મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઇ સી.યુ. પરેવા સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ઠગબાજોએ ઠગાઇના નાંણા જે બેંક એકાઉન્ટમાં ભરાવ્યા હતા તે બેંક એકાઉન્ટની માહિતી તથા નાંણા કોણે ઉપાડ્યા સહિતની દિશામાં તપાસ હાથ ધરતા સુરત કનેકશન બહાર આવ્યું હતું. એટલે સુરતમાં જઇને તપાસ કરતા આરોપી વરૂણ મનોજભાઇ ખુરાના (રહે.વેસુ, સુરત), જયેશ હિંમતલાલ વાઘેલા (રહે.જહાંગીરાબાદ સુરત) તથા ચિરાગ ઉર્ફે દર્શન રમેશભાઇ ગામીત (રહે.ઓલપાડ, સુરત)ને પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓ લલચામણી જાહેરાત આપીને લોકોને રોકાણ કરવા માટે પ્રેરણા આપતા હતા. ત્યારબાદ જો કોઇ રોકાણ કરવા માટે રાજી થઇ જાય તો તેન ેજુદા-જુદા બેંક એકાઉન્ટો તથા પેટીએમ એકાઉન્ટમાં નાણાં ભરાવી ઠગાઇ આચરતા હતા. પકડાયેલો આરોપી જયેશ વાઘેલા ગેરકાયદે કોલ સેન્ટરમાં ઠગાઇનાં નાણાં જમા કરાવવા માટે પોતે એકાઉન્ટ પુરૂ પાડતો હતો. અગાઉ આવા ગુનામાં તે મુંબઇ, સુરત અને અમદાવાદમાં પકડાયો હતો. જ્યારે આરોપી વરૂણ ખુરાના અને ચિરાગ ગેરકાયદે કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા હતા. ત્યારે હાલ તો ત્રણેય આરોપીઓની સામે સાયબર ક્રાઇમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આગામી દિવસોમાં આ ઠગ ગેંગના અન્ય સભ્યો પણ પકડાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

રોકાણ કરેલી રકમ અને નફો ડોલરમાં દેખાતા લોકો લાલચમાં આવી જતા હતા
રોકાણના નામે ઠગબાજો લોકોને ફસાવવા લલચામણી જાહેરાત આપતા હતા. તેમાં ભોગ બનનારાને તેઓ એક સોફટવેર ઇન્સ્ટોલ કરાવતા હતા.જેમાં તેઓએ ભરેલા નાણાં તથા નફો ડોલરમાં દેખાતા હતા. જેથી લોકોને તેમની ઉપર ભરોસો બેસતો હતો. જો કે ઇન્સ્ટોલ કરાવેલું સોફટવેર ડેમો વર્ઝન હોવાથી એક સપ્તાહમાં જ બંધ થઇ જતું હતું. જોકે ઠગાઇ આચરવા માટે આરોપી વરૂણ અને ચિરાગ ટેલીકોલરનું કામ કરતા હોવાથી જેટલી ઠગાઇની રકમ આવે તેના ૨૦થી ૨૩ ટકા સુધીનો હિસ્સો તેમને મળતો હતો.