(એજન્સી) તા.૨૯
આ વખતે ઈદ-ઉલ-અઝહાની ઉજવણીની તૈયારીઓ હૈદરાબાદમાં અનોખી લાગી રહી છે. હૈદરાબાદના મુસ્લિમો હવે ઘેર બેઠા કુરબાની કરવાની તૈયારીમાં છે. જોકે આ વખતે નવું એ છે કે મોટાભાગના લોકો હવે કુરબાની કરવા માટે જાનવર ખરીદવા માટે ઘરેથી બહાર નહીં જાય અને તેમના નામની કુરબાની પણ થઈ જશે અને તેનું માંસ પણ તેમના ઘર સુધી પહોંચાડી દેવાશે.
તેલંગાણાના હૈદરાબાદમાં હવે પશુઓના વેપારીઓ તથા અન્ય સંગઠનો તરફથી બકરાં-બકરી, ઘેટાં કે પાડાની ખરીદી ન કરી શકનારા લોકોને નવી જ ઓફર કરવામાં આવી રહી છે. તેમના માટે આ સંગઠનો આઉટસોર્સનું કામ કરશે અને તેમના માટે પશુઓની ખરીદી કરશે તથા તેમના વતી કુરબાની પણ કરીને તેમના ઘર સુધી તેમનો હિસ્સો પહોંચાડી દેશે કાં ગરીબોમાં વિતરણ કરી દેશે. ઉલ્લેખનીય છે કે ૧ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસની મહામારીને કારણે એક વાર તો ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી બગડી હતી પરંતુ હવે સ્થિતિ મહદઅંશે કાબૂમાં દેખાતા કુરબાની કરવાના આ તહેવારની ઉજવણીમાં થોડોક ફેરફાર જોવા મળી શકે છે. હૈદરાબાદમાં કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખી તે હજુ પણ હોટસ્પોટ બની ગયું છે.