અમદાવાદ,તા.ર૩
રાજય સરકારના જયાં સુધી શાળાઓ ન ખૂલે ત્યાં સુધી ફી નહીં માગવાના આદેશ બાદ રાજયભરની ૬૦૦૦ જેટલી ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરી દેવાયું છે. ત્યારે આ મામલે માત્ર ર૪ કલાકના જ સમયગાળામાં રાજય સરકાર જોરદાર એકશન મોડમાં આવી ગઈ છે. પોતાને વાલીઓના વાલી ગણાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જોરદાર એકશન મોડમાં આવતા જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ સામે સરકાર નહીં ઝુકે, સરકાર ડીડી ગીરનાર પર ઓનલાઈન શિક્ષણ આપી જ રહી છે અને જલદીથી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. રાજયભરની ખાનગી શાળાઓના ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને પગલે વાલીઓમાં રોષ વ્યાપી ગયો હતો. સરકાર ખાનગી શાળાઓ સામે પગલાં લે તેવી માગ ઉઠવા પામી હતી જેને પગલે સરકારે આજે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. રાજયમાં ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના ર૪ કલાકમાં જ સરકાર એકશનમાં આવી છે. જેમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન તોડી મોટું નિવેદન આપ્યું છે. હવે રાજય સરકાર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપશે. અત્યાર સુધી ફકત સરકારી શાળાઓના બાળકો માટે ગુજરાતી ભાષામાં ટી.વી. ચેનલો દ્વારા શિક્ષણ આપાતું હતું પરંતુ હવે તમામ ખાનગી શાળાઓના ગુજરાતી અને અંગ્રેજી શાળાના બાળકો પણ ટી.વી. ચેનલ મારફતે શિક્ષણ લઈ શકશે. સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવા માટે સમિતિની રચના કરાઈ છે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો તત્કાળ અભ્યાસક્રમ તૈયાર કરવા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સુચના આપી છે, આમ, હવે રાજય સરકાર કોરોના કાળ દરમ્યાન ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે. ઓનલાઈન શિક્ષણ બાબતે રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓને ફી નહી ઉઘરાવવા બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈને ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની મનાઈ ફરમાવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે અને તેઓ કેવી રીતે ભણશે તેવા પ્રશ્નો વાલીઓમાં ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્નના જવાબમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હું રાજયના તમામ વાલીઓનો વાલી છું. કોઈપણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં અને તેમને શિક્ષણ મળી રહે એ માટે શિક્ષણ વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. જયારે અત્યાર સુધી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું ત્યારે હવે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ સંકટ સમયમાં રાજય સરકારની મદદથી યુ-ટયુબ અને સરકારી ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. શાળા સંચાલકોની મનમાની સામે સરકારે લાલઆંખ કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જળવાઈ રહે તે માટે રાજય સરકારે ર૪ કલાકની અંદર જ મહત્વનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી રાજય સરકાર દ્વારા માત્ર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને જ ઓનલાઈન શિક્ષણ અપાતું હતું. રાજયના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસ બાબતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે નહીં. તમામને શિક્ષણ મળશે, જયારે નીટ, ગુજકેટ અને જેઈઈના વિદ્યાર્થીઓને બાયસેગ મારફતે શિક્ષણ આપવામાં આવશે. આમ સરકારના આ નિર્ણયથી વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જયારે સરકાર દર વખતે આવા નિર્ણયો લઈ ફી મામલે મનમાની કરનારાઓને સીધા કરે તેવી ચર્ચાઓ વેગવંતી બની છે.