(એજન્સી) તા.૧૦
બાબા રામદેવની પતંજલિએ આઈપીએલના ટાઈટલ સ્પોન્સરશિપની રેસમાંથી વીવોના ખસી ગયા બાદ આ સ્પોન્સરશિપ મેળવવાની રેસમાં સામેલ થયાની જાહેરાત કરતાં જ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર પતંજલિ મામલે ઠ્ઠામસ્કરી શરૂ થઈ ગઈ હતી.
આગામી ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. જોકે પીટીઆઈએ પતંજલિના પ્રવક્તા એસ.કે.તિજારાવાલાના હવાલાથી સમાચાર આપ્યા હતા કે પતંજલિ આગામી આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશિપ ખરીદવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. જેના બાદ ટિ્‌વટર પર પતંજલિના અનેક મેમે અને જોક્સ વહેતા થયા હતા.
તિજારાવાલાએ કહ્યું હતું કે આ એક યોગ્ય પ્લેટફોર્મ છે. સ્થાનિક કંપનીએ આગળ તો આવવું જોઈએ અને એક ભારતીય બ્રાન્ડે વૈશ્વિક બ્રાન્ડ બનવું જોઈએ. અમે પણ આ અંગે વિચારી રહ્યાં છીએ.
વીવો આ વર્ષે આઈપીએલના ટાઇટલ સ્પોન્સરના રૂપમાં હટ્યા બાદ પજંતલિ આ વર્ષ માટે વિશ્વની સૌથી મોંઘી ટી-૨૦ લીગની મુખ્ય પ્રાયોજક બની શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, પતંજલિ પણ આઈપીએલના ટાઇટલ સ્પોન્સરની બોલી લગાવી શકે છે. પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ કહ્યુ છે, અમે આ વર્ષ માટે આઈપીએલના ટાઇટલ સ્પોન્સર પર વિચાર કરી રહ્યાં છીએ, કારણ કે અમે પતંજલિ બ્રાન્ડને વૈશ્વિક મંચ આપવા ઈચ્છીએ છીએ. પતંજલિ બીસીસીઆઈને એક પ્રસ્તાવ આપવાનો વિચાર કરી રહ્યું છે. આ પહેલા સામે આવી રહ્યું હતું કે, ઈ-કોમર્સ કે પછી ઈ-લર્નિંગ કંપની આઇપીએલના ટાઇટલ સ્પોન્સર માટે આગળ આવી રહી છે. તો જીયો અને ટાટા ગ્રુપે પણ તેના માટે રસ દાખવ્યો છે, કારણ કે લાંબા સમય બાદ કોઈ મોટી ઇવેન્ટ થઈ રહી છે. છેલ્લા છ મહિનામાં એકપણ ઈવેન્ટ યોજાઇ નથી, જેમાં કંપની પોતાનો પ્રચાર કરી શકે. તેવામાં મોટી કંપનીઓની પાસે તક છે કે આઈપીએલ જેવી વિશ્વ સ્તરીય લીગની સાથે ભાગીદારી કરે અને પોતાની બ્રાન્ડને ગ્લોબલ માર્કેટમાં પહોંચાડે.
જોકે આ સમાચાર આવતાની સાથે જ લોકોએ તેની મજાક બનાવવાની શરૂઆત કરી દીધી હતી. લોકોએ લખ્યું કે હવે આઈપીએલમાં ગૌમૂત્રને ફરજિયાત રૂપે ડ્રિન્ક તરીકે સમાવાશે અને ખેલાડીઓ માટે યોગા ક્લાસ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે જમણેરી પાંખના સભ્યોએ બીસીસીઆઈ સામે જ ત્યારે વાંધો દર્શાવી દીધો હતો જ્યારે ચાઈનીઝ કંપની વીવોને આ કરાર સોંપાયો હતો. વીવોએ પાંચ વર્ષ માટે ૨૨૦૦ કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે કોરોના વાયરસની મહામારીમાં નવું સ્પોન્સર શોધવું હવે બીસીસીઆઈ માટે લોઢાના ચણા ચાવવા સમાન વાત બની રહી છે.