(એજન્સી) તા.૮
પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિઝ ઈન્ટેલિજન્સ(આઈએસઆઈ)ના બે એજન્ટોની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. આ લોકોની ઓળખ ૨૯ વર્ષીય વિકાસ કુમાર અને ૨૨ વર્ષીય ચમનલાલ તરીકે થઇ છે. વિકાસ કુમાર રાજસ્થાનના શ્રીગંગાનગર પાસે એક સેનાના વિસ્ફોટકના ડેપોમાં સિવિલ ડિફેન્સ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યો હતો જોકે ચમનલાલ સેનાની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બિકાનેરમાં એક સિવિલ સંવિદા કર્મચારી હતો.
ઓગસ્ટ ૨૦૧૯માં લખનઉ સ્થિત સૈન્ય ગુપ્ત વિભાગને જાસૂસી એજન્ટ વિકાસ કુમાર વિશે માહિતી મળી હતી કે તે પાકિસ્તાનને સૈન્ય માહિતી આપી રહ્યો છે. માહિતી માટે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ દ્વારા પાકિસ્તાનના મુલતાનથી અનુષ્કા ચોપડા નામની એક ફેસબુક પ્રોફાઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ગુપ્તચર વિભાગે શોધી કાઢ્યું કે વિકાસ કુમાર ORBAT‌(ઓર્ડર ઓફ બેટલ, કમ્પોઝિશન એન્ડ ઓર્ડર ઓધ ધી મિલિટ્રી ફાઈટિંગ ફોર્મ), વિસ્ફોટક(ફોટો, માત્રા, આગમન, પ્રસ્થાન) સંબંધિત સૈન્ય માહિતી આપી રહ્યો હતો. તે ફાયરિંગ પ્રેક્ટિસ(સૈન્ય) માટે આવતા સેનાના અધિકારીઓની માહિતી આપવા માટે બદલામાં પૈસા લઈ રહ્યો હતો. વિકાસને તેના ત્રણેય બેન્ક ખાતામાં પૈસાની ચૂકવણી કરાઈ હતી.
જાન્યુઆરી ૨૦૨૦માં સૈન્ય ગુપ્તચર એજન્સીએ આ મામલાને યુપી એટીએસ સાથે શેર કર્યો. વિકાસ કુમારની પ્રવૃત્તિઓ પર લખનઉ સૈન્ય ગુપ્તચર અને યુપી એટીએસની સંયુક્ત ટીમ ચાંપતી નજર રાખી રહી હતી. ઓપરેશનને કોડ ડેઝર્ટ ચેઝ નામ અપાયું હતું. જોકે તેના પછી ચમનલાલની પણ ભૂમિકા સામે આવી. માહિતી મળી કે વિકાસ, ચમનલાલના માધ્યમથી મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં એક વોટર પોઇન્ટ/પંપ હાઉસમાં જળ વિતરણ રજિસ્ટરની તસવીરો મેળવી રહ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન વિકાસે કબૂલ્યું કે તેણે ફેસબુક પર પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ અનુષ્કા ચોપડા સાથે ૨૦૧૯માં માર્ચ-એપ્રિલ વચ્ચે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. બંને વચ્ચે મિત્રતા થઇ અને વોટ્‌સએપ નંબર શેર કર્યા. તેણે સ્વીકાર્યુ કે તેમને ૭૫૦૦૦ રૂપિયા પણ મળ્યા હતા. તે આ પૈસા તેના ભાઈના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. તેણે ચમનલાલને પણ આ મદદ માટે ૯૦૦૦ રૂપિયાની ચૂકવણી કરી હતી.