(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા. ૨ર
ઓપાલ કંપનીમાં બોગસ બેન્ક ગેરન્ટી અને અનુભવના ખોટા પ્રમાણપત્રોના આધારે લાખ્ખો રૂપિયાની છેતરપિંડીના ચકચારી પ્રકરણમાં એક અઠવાડીયાનો સમય વિતી જવા છતાં આરોપીની ધરપકડ નહીં કરતા પોલીસતંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થવા પામ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓએનજીસી પેટ્રો એડિસન્સ લિમીટેડ દહેજના સેઝ-૧ ખાતે આવેલ કંપનીમાં કંપીનના ગેટનું ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ તબક્કાવાર રોડ અને ગટર સિવિલ વડ અને સિવિલ મેઈન્ટેનન્સના કામો માટે ભરૂચના આંબેડકર મ્યુનિસીપલ શોપીંગ ખાતે આવેલ જયમીત રીયાલીટી પ્રાઈવેટ લીમીટેડના માલિક અને મુખ્ય ષડયંત્રકાર એવા અનંત જયંતિભાઈ પટેલનાએ ટેન્ડર ભર્યા હતા. ટેન્ડરમાં ઈએમડી અર્નેસ્ટ મની ડીપોઝીટ પેટે અનંત પટેલે બેન્ક ઓફ બરોડા હેડ બ્રાન્ચના નામની રૂા.૪,૧૧,૪૮,૦૭૯ની બેન્ક ગેરન્ટીના ખોટા દસ્તાવેજો તેમજ રીલાયન્સ કંપની તેમજ થર્મલ ઈન્સ્ટ્રુમેન્ટેશન લીમીટેડના બોગસ અનુભવના પ્રમાણપત્રો જમા કરાવી ખોટી રીતે ટેન્ડર મેળવી કંપનીને રૂા.૬,૩૮,૦૦૦નો ચૂનો ચોપડવાના ચકચારી પ્રકરણમાં કંપનીના મેન્ટેનન્સ મેનેજર આસી. કરમાકર દ્વારા દહેજ મરીન પોલીસ મથકે તા.૧પ-ર-ર૦૧૮ના રોજ ગઠીયા અનંત પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. જો કે ફરિયાદને એક અઠવાડિયાનો સમયગાળો વિતી ગયો હોવા છતાં આજદિન સુધી અનંત પટેલ કે આ ષડયંત્રમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિ સુધી પોલીસ હજુ પહોંચી શકી નથી. બીજી તરફ ઓપાલ કંપનીની છેતરપિંડીના આ ચર્ચાસ્પદ પ્રકરણમાં શું બોગસ બેન્ક ગેરન્ટી બનાવવામાં બેન્કના અધિકારીઓની સંડોવણી છે કે કેમ ? ઉપરાંત ઓપાલ કંપનીના વેરીફીકેશન દરમ્યાન કોઈ કર્મચારી કે અધિકારીએ અનંત પટેલની મદદગારી કરી છે કે નહીં ? આ બધી બાબતો ટાંકા ઉપજાવનારી છે પરંતુ આટલી મોટી ઘટનામાં મંથર ગતિએ ચાલતી તપાસ દાળમાં કંઈક કાળુ હોવા તરફ ઈશારો કરી રહ્યો છે.