(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
આણંદ જિલ્લાનાં વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાં ઓફલાઈન પરિક્ષાનાં વિરોધમાં અને ઓનલાઈન પરિક્ષાની માંગ સાથે આજે વિદ્યાર્થીઓ દ્વારા થાળીઓ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા સિન્ડીકેટ સભ્ય સહીત વિદ્યાર્થીઓની અટકાયત કરી તેઓને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાં હાલમાં ઓફ લાઈન પરિક્ષાઓ લેવામાં આવી રહી છે,ત્યારે કોરોનાં સંક્રમણ ફેલાવાની ભીતીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ઓફ લાઈનની સાથે ઓન લાઈન પરિક્ષાનો અથવા તો બહારનાં જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જે તે જિલ્લામાં પરિક્ષા કેન્દ્ર આપવાની માંગ સાથે યુનિવર્સીટીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ગઈકાલે વિદ્યાર્થીઓ દ્વારા કુલપતીને રૂબરૂ મળી ઓફ લાઈન પરિક્ષાની સાથે ઓનલાઈન પરિક્ષાનો વિકલ્પ આપવા અંગે રજુઆત કરી હતી તેમ છતાં કુલપતી દ્વારા ઓફ લાઈન પરિક્ષા જ લેવાશે તેમ જણાવતા આજે વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલ યુનિવર્સીટીનાં પ્રાંગણમાં થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કરી ડીઝીટલ ઈન્ડીયા એક લોલીપોપનાં સુત્રોચ્ચાર કર્યા હતા.અને સરદાર પટેલ યુનિવર્સીટીનાં પ્રાંગણમાંજ થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કરતા વલ્લભવિદ્યાનગર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા સીન્ડીકેટ મેમ્બર અલ્પેશ પુરોહીત અને વિદ્યાર્થીઓ જૈમીન પટેલ,મહેન્દ્ર સહીત આઠથી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા.