(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૩
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના મેમોઈર (જીવની)માં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. ઓબામાનું કહેવું છે કે રાહુલ એ વિદ્યાર્થીની જેમ છે, જે શિક્ષકને ઈમ્પ્રેસ કરવા માટે ઉત્સુક તો છે, પણ સબ્જેક્ટના માસ્ટર હોવાના મામલામાં યોગ્યતા અથવા જુસ્સાની અછત છે. આ રાહુલની નબળાઈ છે. ઓબામા જ્યારે સત્તામાં હતા ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. મનમોહન સિંહના કાર્યકાળવાળી યુપીએ સરકારના સમય નવેમ્બર ૨૦૦૯માં ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ભારતની મુલાકાત માટે આવ્યાં હતાં, ત્યારે મનમોહન સિંહ અને તેમનાં પત્ની ગુરુશરણ કૌરે ઓબામા પરિવાર માટે ડિનર પણ બનાવ્યું હતું. બરાક ઓબામા, અમેરિકાના પહેલા આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ હતા. તેમણે તેમના કાર્યકાળમાં બે વખત ભારતની યાત્રા કરી હતી. ઓબામાએ મનમોહન સિંહને શાંત અને ઈમાનદાર ગણાવ્યા છે. ઓબામાની ૭૬૮ પેજનું પુસ્તક ૧૭ નવેમ્બરને રિલીઝ થશે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અમુક ભાગોના રિવ્યૂ પબ્લિશ કર્યા છે. ઓબામાએ તેમના પુસ્તકમાં અન્ય દેશોના નેતાઓ વિશે પણ લખ્યું છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને શારીરિક રીતે સાધારણ ગણાવ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન વિશે લખ્યું છે કે તે સજ્જન, ઈમાનદાર અને વફાદાર છે. બાઈડનને લાગશે કે તેમની પર ધ્યાન નથી અપાયું, તો તેઓ ગુસ્સે ભરાઈ શકે છે, આ એવી ક્વોલિટી છે જે કોઈ યુવા સાથે ડીલ કરતી વખતે માહોલ બગાડી શકે છે.