(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં પાર્ટીના શાનદાર પ્રદર્શન પર ત્રણ રાજ્યોના લોકો તથા ભાજપ કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં તો એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ભાજપનો ગોલ્ડન પીરિયડ આવવાનો બાકી ે. તેમણે કહ્યું કે ઓરિસ્સા, બંગાળ અને કેરળમાં સરકાર બનશે ત્યારે ભાજપનો સુવર્ણકાળ આવશે. જ્યાં સુધી આ આવશે નહીં ત્યાં સુધી ભાજપના ગોલ્ડન પીરિયડ આવી ગયો છે તેવું હું માનીશ. દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સમાં શાહે કહ્યું કે હવે ૨૧ રાજ્યોમાં ભાજપની આગેવાની વાળી સરકાર છે. કોહિમાથી કચ્છ સુધી ભાજપનું શાસન છે. ૨૦૧૪ ની ચૂંટણીમાં વડાપ્રધાને કહ્યું હતું ઉત્તર પૂર્વ વિકાસથી વંચિત રહ્યો છે. તેમણે વચન આપ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો પૂર્વોત્તરમાં વિકાસ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે ૨૦૧૪ માં લોકસભા ચૂંટણીમાં જીત બાદ શપથ લેતી વખતે પીએમ મોદીએ એક્ટ ઈસ્ટ પોલિસી પર ભાર મૂક્યો હતો અને આજે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે આ તે નીતિની દેન છે. શાહે ત્રિપુરા જીતને ઐતિહાસિક ગણાવી અને કહ્યું કે ૨૦૧૩ માં ભાજપને ૧.૩ ટકા વોટ મળ્યાં. એક ઉમેદવારે જ ડિપોઝીટ બચાવી શક્યો હતો જ્યારે બાકીના તમામ ઉમેદવારોને ડિપોઝીટ ગૂમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ કાર્યકરોને મહેનત રંગ લાવી અને આજે એક ઐતિહાસિક જીત પાર્ટીને મળી છે. તેમણે કહ્યું કે અમારા ૯ કાર્યકરો કોમવાદી હિંસામાં શહીદ થયાં હતા તેમને નમન કરૂ છું. તેમણે કહ્યું કે ત્રિપુરા ભાજપ અધ્યક્ષ, નાગાલેન્ડના પ્રદેશ અધ્યક્ષ તથા મેઘાલય પ્રદેશ અધ્યક્ષને અભિનંદન. ઉલ્લેખનીય છે કે હાલમાં ૨૯ રાજ્યોમાંથી ૨૧ રાજ્યોમાં ભાજપનું શાસન છે જ્યારે કોંગ્રેસની પાસે પંજાબ, કર્ણાટક, મેઘાલય અને મિઝોરમ રહ્યાં છે. જોકે આ રાજ્યો કોંગ્રેસની પકડમાંથી છટકી શકે તેવી સ્થિતિ પેદા થાય તો નવાઈ નહીં.