દુબઈ, તા.ર૯
ભારતીય કપ્તાન અને વર્ષનો સર્વશ્રેષ્ઠ આઈસીસી ક્રિકેટર વિરાટ કોહલી જોહાનિસબર્ગ ટેસ્ટથી ૧ર પોઈન્ટ મેળવી ટેસ્ટ બેટ્‌સમેનોની સર્વકાલીન ખેલાડી રેન્કિંગમાં મહાન ખેલાડી બ્રાયન લારાને પાછળ પાડવામાં સફળ રહ્યો. કોહલીએ ત્રીજી અને અંતિમ ટેસ્ટની શરૂઆત ૯૦૦ પોઈન્ટથી કરી હતી અને આ મુકાબલામાં તેણે પ૪ અને ૪૧ રનની મદદથી ૧ર પોઈન્ટ મેળવ્યા. હવે તેના ૯૧ર પોઈન્ટ છે અને તે સર્વકાલીન યાદીમાં ર૬મા સ્થાને છે. હાલના નંબર વન રેન્કિંગનો બેટ્‌સમેન સ્ટીવ સ્મિથ ૯૪૭ પોઈન્ટ સાથે સર્વકાલીન યાદીમાં બીજા સ્થાને છે. કોહલીએ આ રીતે ૩૧માંથી ર૬મા સ્થાને છલાંગ લગાવી છે અને આ રીતે તેણે લારા (૯૧૧), કેવીન પીટરસન (૯૦૯), હાશીમ અમલા (૯૦૦), ચન્દ્રપોલ (૯૦૧) અને માઈકલ કલાર્ક (૯૦૦)ને પાછળ પાડ્યા. કોહલી હવે પોતાના વતનના અને આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ સુનીલ ગાવસ્કરની નજીક પહોંચી ગયો છે જેમના ૧૯૭૯માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઓવલ ટેસ્ટ બાદ ૯૧૬ પોઈન્ટ થયા હતા.