(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
ઓલપાડના સાયણ વિસ્તારમાં લૂંટારૂ ટોળકી સક્રિય બની છે. સાયણ રોડ પર બાઈક પર જતાં શિક્ષકનો પીછો કરીને લાકડીના ફટકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. શિક્ષક પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. જો કે, લૂંટની ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકમાં લૂંટારૂને ઝડપી પાડી ગુનો ઉકેલ્યો હતો.
ઓલપાડ તાલુકાની કરંજ ગામે આવેલી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મૂળ કામરેજ તાલુકાના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય જીતેશભાઈ હરકીશનભાઈ ચૌહાણ રાબેતા મુજબ પોતાની જીજે-૧૯-૩૩૯૩ નંબરની બાઇક લઈને સ્કૂલે ગયા હતા. દરમિયાન ઘરે પરત ફરતા હતા. ત્યારે ઓલપાડ સાયણ રોડ સાંધિયેર ગામની સીમમાંથી બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે તેમનો એક બાઈક પર આવેલા ત્રણ યુવાનોએ પીછો કરી હેવેન ૪૪૪ નજીક આવી જીતેશભાઈને પાછળથી માથાના ભાગે લાકડીનો ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. બાઈક ઊભી કરવા સાથે લૂંટારૂઓએ તેમની પાસેનું પાકિટ અને મોબાઈલ ફોન લૂંટી લેવાની કોશિશ કરતા જીતેશભાઈએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓએ તેમના હાથમાં લાકડીના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી મોબાઈલ તથા પેન્ટના ખિસ્સામાં મૂકેલ પાકિટમાં રાખેલી રોકડ રકમ તથા ખભામાં ભેરવેલું મોટું પાકિટ લૂંટીને બાઈક લઈને ભાગી છૂટ્યા હતા. લૂંટનો ભોગ બનેલા શિક્ષકને ઓળખીતા લોકો હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ઘટના બાબતે સાયણ ચોકીના એએસઆઈ નીતેશને જાણ થતાં તેમણે ઘટનાની ગંભીરતા જાણી ચોકીના સ્ટાફ સાથે મળીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. લૂંટારૂઓ લઈ ગયેલા મોબાઈલ ફોનના લોકેશન સાથે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ત્રણ લૂંટારૂઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા હતા. જ્યારે લૂંટનો ભોગ બનનાર શિક્ષકને લૂંટારૂઓએ ગંભીર ઈજા પહોંચાડતા હાથમાં બે ફ્રેક્ચર થતાં સાયણની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. શિક્ષકને લૂંટી લેવાની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સુત્રધાર સાગર ઉડિયા માલી રીઢો ગુનેગાર છે જે અગાઉ વાહન વાહનચોરી, લૂંટ અને રાયોટીંગના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો. આજે ફરી લૂંટ કરતા ઝડપાતા કુલ ચાર ગુના ઉકેલાયા છે. ત્યારે આટલું જ નહીં પણ બીજા અન્ય ગુના પણ ઉકેલવાની શક્યતા વર્તાઇ રહી છે.