સુરત, તા.૬
સુરત જિલ્લાના ઓલપાડના બરબોધન ગામે આવેલ રામા પેપર મીલમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. બોઈલર ફાટ્યા બાદ આગ લાગતા ચારથી પાંચ કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થવાની સાથે સંબંધિત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને ઘટનાની તપાસ શરૂ કરી હતી.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકના બરબોધન ગામે રામા પેપર મીલ આવેલી છે. આ મીલમાં સવારે એકાએક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બોઈલર ફાટ્યા બાદ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગમાં મીલના મેનેજર સુરેન્દ્ર જાદવ, મનોજ યાદવ અને બ્રિજેશ મખાયા સહિત પાંચેક કામદારો દાઝી ગયા હતા. આ તમામને તાબડતોડ એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું છે.