(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પિંંજરત ગામમાં મિત્રના પુત્રના પ્રેમલગ્નનું સમાધાન કરાયા બાદ તેની અદાવત રાખી ૬ આરોપીઓએ પટેલ પરિવારના ત્રણ સભ્યો પર લોખંડના સળિયા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના લીમડા ફળિયામાં જગદીશ ઈશ્વરભાઈ પટેલ રહે છે. જગદીશ પટેલના મિત્રના પુત્ર અંકિતે ગામમાં રહેતા સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલની પુત્રી હિમલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતે જગદીશભાઈ તથા મિત્ર અશ્વિને વચ્ચે પડી સામાજિક રીતે બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જેની અદાવત રાખી પિંજરત ગામના નિલેશ પટેલ, વિશાલ પટેલ, પ્રમોદ પટેલ, અતુલ પટેલ, મીનાબેન પટેલ વગેરેઓએ લોખંડના સળિયા તેમજ લાકડાના ફટકા વડે જગદીશ પટેલ, પત્ની સવિતાબેન તથા પુત્ર નિકુલ પર હુમલો કરી શરીરે ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત જગદીશ પટેલે ૬ આરોપીઓ સામે ફરિયાદ આપતા ઓલપાડ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.