(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા. ર૯
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરકસરના ભાગ રૂપે કંઈને કંઈ નવા અખતરાઓ કરવામાં આવે છે. તાજેતરમાં સુરત એસ.ટી. વિભાગમાં સમાવિષ્ટ ઓલપાડ એસ.ટી. ડેપોની ૩૦ જેટલી ટ્રીપો કે જે આજ દિન સુધી જે-તે ગામે રાત્રી રોકાણ કરતી હતી.
એસ.ટી. નિગમના નિયમ મુજબ રાત્રી રોકાણ કરતી બસો ઉપર ફરજ બજાવતા ડ્રાઈવરને અને કંન્ડક્ટરને નાઈટ આઉટ એલાઉન્સ માત્ર ૧૦-૧૦ રૂપિયા આપવામાં આવે છે. આ ભથ્થું બચાવવા માટે સમગ્ર ગુજરાતમાં ઓલપાડ ડેપો ખાતે નવો પ્રયોગ ગત તા. ૧૬ ઓગસ્ટ-ર૦૧૮થી શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ ડેપોની ૩૦ જેટલી નાઈટઆઉટ કરતી ટ્રીપોને રાત્રે જ પુનઃ ડેપો ખાતે બોલાવી લેવામાં આવે છે અને વહેલી સવારે જે-તે ગામે મોકલવામાં આવે છે. જેને પગલે રપથી ૩૦ હજાર રૂપિયાનું ડીઝલ વધુ બળતું હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, નાઈટઆઉટના સ્થળેથી ઓલપાડ ડેપો ખાતે આવતી વખતે અને સવારે ડેપો ખાતેથી જે-તે સ્થળે જતી વખતે કોઈ આવક આવતી નથી. આ પ્રકારના તરંગી નિર્ણયો લઈ એસ.ટી. તંત્રના સત્તાધીશો શું સિદ્ધ કરવા માંગે છે ? એ જાણવા મળ્યું નથી.
આ પ્રશ્ને સુરતની વિભાગીય કચેરીની ટ્રાફિક શાખાનો સંપર્ક કરતા ટ્રાફિક કચેરીના વડાએ જણાવ્યું કે, મોટાભાગના ડ્રાઈવર-કન્ડક્ટરો પોતાના ગામમાં નાઈટઆઉટની નોકરી કરતા હતા. આ નિર્ણયથી ગામમાં નાઈટઆઉટ બંધ થતાં આવા કામદારો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વળી આ નિર્ણય કરવાથી આવકમાં પણ વધારો નોંધાયો છે.