પેરિસ,તા.૨
વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ફેલાયેલા ડરને લીધે ટોક્યો ઓલિમ્પિક, ૨૦૨૦ને એક વર્ષ સુધી પાછળ ઠેલાવાથી ૨૦૨૧માં પ્રસ્તાવિત વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હવે ૨૦૨૧ને બદલે ૨૦૨૨માં યોજાશે. વિશ્વ એથ્લેટિક્સે ટોક્યો ઓલિમ્પિકની નવી તારીખ જાહેર થયા પછી આ નિર્ણય લેતાં અમેરિકાના યુઝિનમાં છથી ૧૦ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી પ્રસ્તાવિત આ ચેમ્પિયનશિપનું આયોજન હવે ૨૦૨૨માં થશે.
વિશ્વ એથ્લેટિક્સે કહ્યું હતું કે અને જાપાનના આયોજકો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ર્(IOC)દ્વારા જાહેર કરવામાં આવેલી ઓલિમ્પિકની નવી તારીખોને આવકારીએ છીએ. આનાથી અમારા એથ્લિટોને પ્રશિક્ષણ (ટ્રેનિંગ) અને હરીફાઈ કરવા માટે વધારાનો સમય મળશે.
તેમણે કહ્યું હતું કે, દરેક જણે આના માટે સાનુકૂળ થવું પડશે અને અમે ઓરેગોનમાં થનારી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે સ્થાનિક આયોજકોથી ચર્ચા કરીને નવી તારીખોની જાહેરાત કરીશું. વિશ્વ એથ્લેટિક્સે કહ્યું હતું કે તેઓ આના માટે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સિવાય યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના આયોજકોથી પણ ચર્ચા કરી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ હાલમાં બર્મિગહામમાં ૨૭ જુલાઈથી સાત ઓગસ્ટ, ૨૦૨૨ સુધી યોજાશે. જ્યારે યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ મ્યુનિચમાં ૧૧-૨૧ ઓગસ્ટમાં યોજાશે.