(એજન્સી) લખનઉ, તા. ૧૪
વિવાદાસ્પદ, વાંધાજનક અને વૈમનસ્ય ફેલાવનારા નિવેદનો માટે જાણીતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરીવાર પોતાના નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે. આ વખતે તેમણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર નિશાન સાધતાં તેને આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. સાક્ષી અનુસાર મુસ્લિમ પર્સનલ બોર્ડ આતંકવાદી સાંઠગાઠ ધરાવે છે અને લોકો સમક્ષ ઉગ્ર વિચારો મૂકે છે. સાક્ષીએ તાજેતરમાં જ બોર્ડમાંથી હાંકી કઢાયેલા મૌલાના સલમાન નદવીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ઉદ્દામવાદીઓના અવાજ બોર્ડમાં સંભળાય છે પરંતુ મૃદુ અવાજ સંભળાતો નથી. તેમણે ફરીવાર ઉચ્ચાર્યું હતું કે, રામમંદિર અયોધ્યામાં જ બનશે. જ્યારે મુસ્લિમો જ બોર્ડ સામે પોતે ઉગ્ર વાકપ્રહાર કરી રહ્યા છે તો બિન મુસ્લિમો તેને નિશાન બનાવવાની તક ઝડપે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી. તાજેતરમાં મૌલાના સલમાન નદવીને બોર્ડમાંથી કાઢી મુકાતા તેમણે કહ્યું હતું કે, બોર્ડમાં ફક્ત ઉગ્ર અવાજો જ સાંભળવામાં આવે છે. જોકે, યુપી શિયા બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ તેનાથી પણ ચડી જઇ કહ્યું હતું કે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આતંકવાદી સંગઠન છે અને તેના પર પ્રતિબંધ મુકવો જોઇએ.