શું બંગાળમાં ઓવૈસી ભૂલથીય સરકાર બનાવી શકે ? જે રાજકીય પક્ષને એક પણ હિંદુ મત ના આપે તે ફક્ત મુસ્લિમ-હિંદુ મત મેળવનાર પક્ષને નુકસાન કરી શકે. મમતા બેનરજીના કયા નિર્ણયથી લઘુમતી કે બહુમતી સમાજને નુકસાન થયું ? ફક્ત કોમવાદી પરિબળો જ મમતા બેનરજીને નુકસાન પહોંચાડવા તેમને મુસ્લિમ તરફી ચિતરવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કેટલાક રાજકીય લોકો કોમવાદી પરિબળો સાથે મળી પૈસા ભેગા કરવા મુસ્લિમોને તેમજ દેશને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં કોઈ બિનસાંપ્રદાયિક પક્ષનો હિંદુ ઉમેદવાર મુસ્લિમોના ૯૦% મત મેળવી અને બિનમુસ્લિમના રપ%-૩૦% મત મેળવી માંડ પ૦૦થી ૧૦૦૦ મતે વિધાનસભા જીતી શકતો હોય તોય હારી જાય અને છેવટે કોઈ કોમવાદી પક્ષનો ઉમેદવાર જીતી જાય, પરંતુ આ ગણતરી બેરોજગાર અને ફક્ત પૈસાના ભૂખ્યા લોકોને કોણ સમજાવે ?

(એજન્સી) કોલકાતા, તા.૪
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન (એઆઈએમઆઈએમ)ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ગઈકાલે બંગાળના હૂગલી જિલ્લા સ્થિત પ્રખ્યાત ધાર્મિક સ્થળ ફુરફુરા શરીફની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે વગદાર મૌલવી અબ્બાસ સિદ્દીકીની મુલાકાત પણ લીધી હતી. રાજ્યમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે આ મુલાકાત યોજાઈ હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમે અબ્બાસ સિદ્દીકી સાથે મળી કામ કરીશું. અમે તેમને સમર્થન આપીશું તેમજ તેમના નિર્ણયોને પણ ટેકો આપીશું. રાજ્યમાં ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ આ ઓવૈસીની પ્રથમ બંગાળ મુલાકાત હતી. બંગાળની નિર્ણાયક ચૂંટણી પહેલા આ મુલાકાત ધ્યાનઆકર્ષક રહી હતી. કેમ કે, ઓવૈસીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના લઘુમતી સમુદાયના મતોનું વિભાજન કરી શકે છે. અલબત્ત ઓવૈસીએ એ વાતની સ્પષ્ટતા કરી ન હતી કે, શું સિદ્દીકી બંગાળમાં તેમની પાર્ટીનું નેતૃત્વ કરશે કે નહીં. એ અંગે પણ ખુલાસા કરાયો ન હતો કે, શું તેઓ સિદ્દીકી સાથે ગઠબંધન કરશે. બંગાળમાં સિદ્દીકી એક પ્રભાવશાળી ચ્હેરો છે. આ અગાઉ તેમણે રાજ્કીય પાર્ટી રચવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે વર્ષ ૨૦૨૧માં યોજાનારી બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંપ લાવવાની જાહેરાત કરી હતી. જો કે, તેમણે હજુ સુધી પોતાની કોઈ રાજ્કીય પાર્ટીની જાહેરાત કરી નથી. મૌલવી સિદ્દીકીની નજીના લોકોનું માનવું છે કે, તેઓ આગામી બે સપ્તાહમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ઓવૈસી સાથેની તેમની મુલાકાત ખૂબ જ નિર્ણયાક હોવાનું જણાવાયું હતું. આ બેઠક બાદ તેઓ પણ પ્રસન્ન મુદ્રામાં જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, બંગાળમાં મુસ્લિમ મતોની હિસ્સેદારી લગભગ ૩૦ ટકા જેટલી છે. જ્યારે રાજ્યની ૯૦ વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક છે. સિદ્દીકી મમતાના વિરોધી છે. તેઓ મમતા સરકારના કામની ટીકા કરતાં આવ્યા છે.