વિસનગર, તા.૨૩
ભાજપ જીતશે તો ચાલશે પણ ઓવૈસી કે જે કોમવાદી માનસિકતા ધરાવે છે. તે પક્ષ ના જીતવો જોઈએ. મુસ્લિમોના નામે દુકાન ચલાવનાર આવા તત્ત્વોનેે ગુજરાતનો લઘુમતી સમાજ જડબાતોડ જવાબ આપશે. એમ અભિવાદન વેળા ગુજરાત કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ પદે વરાયેલ વજીરખાન પઠાણે જણાવ્યું હતું.
તાજેતરમાં વિસનગરના એડવોકેટ વજીરખાન પઠાણની ગુજરાત કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. રાજ્યમાં ટૂંક સમયમાં મનપા પાલિકા સહિતની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે રાજ્યમાં બીટીપી અને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ વચ્ચે જોડાણ થયું છે. અધૂરામાં આપ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણી લડાવવા એલાન કર્યું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ વચ્ચે હડકંપ મચી જવા પામ્યો છે. ઔવેસીની પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઊભા રાખવાની જાહેરાત કરતા આ અંગે વજીરખાને જણાવ્યું હતું કે, ઓવૈસી મુસ્લિમ સમુદાયના યુવાનોને ગુમરાહ કરી કોમવાદના બીજ વાવે છે. દેશના વિકાસ માટે સૌએ સાથે મળીને રહેવું પડશે ઓવૈસીને તેઓ કોઈપણ લોકો જીતવા નહીં દે. એક સમયે ભાજપ જીતશે તો ચાલશે પણ ઓવૈસીનો પક્ષ ન જીતવો જોઈએ. મુસ્લિમોના નામે પોતાની રાજનીતિની દુકાન ચલાવનાર આવા તત્ત્વોને રાજ્યનો મુસ્લિમ સમાજ જડબાતોડ જવાબ આપશે. રાજ્યનો મુસ્લિમ સમાજ કોંગ્રેસને વફાદાર છે અને રહેશે. ઔવેસી એ ભાજપની બી ટીમ છે. ઓવૈસીને મત એટલે ભાજપને મત તે વાત મુસ્લિમ સમાજ જાણે છે.
લવજેહાદ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન માટે બળજબરી થવી ન જોઈએ. લવજેહાદના કાયદા મુદ્દે કોર્ટો પણ નારાજ છે. સેલીબ્રિટિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો કઈ નહીં પણ સામાન્ય માણસ લગ્ન કરે તો લવજેહાદ તે માનસિકતા ન હોવી જોઈએ. લગ્ન માટે દરેકને સ્વતંત્રતા હોવી જોઈએ. આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે કોંગ્રેસમાંથી વિજયી બનતા ઉમેદવારો પક્ષ પલ્ટો કરી નાંખે છે. જે અંગે જણાવ્યું છે કે, કોંગ્રેસ દ્વારા આ વખતે ઉમેદવારોની પસંદગીને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવશે. બુધવારના રોજ વિસનગર શહેર મુસ્લિમ સમુદાય દ્વારા વજીરખાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુઆ કરી હતી.
Recent Comments